શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમારી પાસે ટીમમાં ઘણા વિકલ્પ છે. ટીમની જરૂરિયાત મુજબ રણનીતિ તૈયાર કરવામાં આવશે. ચોથા ક્રમે બેટિંગ કરી શકે તેવા અમારી પાસે ઘણા ખેલાડીઓ છે અને આ ક્રમ માટે મેનેજમેન્ટને કોઇ ચિંતા નથી. અમારી પાસે ૧૫ ખેલાડીઓ છે અને તેઓ કોઇ પણ ક્રમે બેટિંગ કરવા માટે સક્ષમ છે. જો કોઇ ઝડપી બોલર ઇજાગ્રસ્ત થાય તો પણ અમારી પાસે તેના વિકલ્પ તૈયાર જ છે.
ઓલરાઉન્ડર કેદાર જાધવની ઇજા અને સ્પિનર કુલદીપ યાદવના કંગાળ ફોર્મ અંગે શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમે આ બાબતે કોઇ ચિંતા કરતા નથી. કેદારને ફ્રેક્ચર થયું નથી અને તે ફિટ થઇ જશે. અમારી પાસે હજુ ઘણો સમય છે.
કોહલીના સંદર્ભમાં શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આઇપીએલમાં કરેલા પ્રદર્શનની સુકાની પર કોઇ અસર પડશે નહીં. સ્થાનિક લીગ તથા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આસમાન જમીનનો ફેર હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં કોહલીએ રમતની પ્રત્યેક ફોર્મેટમાં ઘણો સુધારો કર્યો છે.