નવી દિલ્હીઃ જ્યારે વર્લ્ડ કપ જેવી મોટી શ્રેણી રમાતી હોય ત્યારે ખેલાડીઓએ પણ તમામ નિયમોનું પાલન કરવાનં હોય છે. પરંતુ ટીમ ઇન્ડિયા બીસીસીઆઈ અને આઈસીસીની વચ્ચે થયેલ સમજૂતી છતાં નિયમોને અનુસરતી નથી. તેનાથી નારાજ આઈસીસીએ બીસીસીઆઈને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. જોકે બીસીસીઆઈએ આઈસીસીના દાવાને નકારી કાઢ્યો છે.




આઈસીસીના નવા મીડિયા પ્રોટોકોલ પ્રમાણે દરેક ટીમે પોતાના બધા ખેલાડીઓને મીડિયા સાથે વાતચીત કરવા માટે મોકલવા પડે છે. આ કરાર ઉપર દરેક ક્રિકેટ બોર્ડે હસ્તાક્ષર કર્યા છે. જોકે ભારતીય ક્રિકેટ ટીમ આ નિયમનું પાલન કરી રહી નથી. જો કોઇ ટીમ પોતાના 3-4 ખેલાડીઓને મોકલે તો પણ આઈસીસી તૈયાર છે, પણ ટીમ ઇન્ડિયા આ નિયમનું પણ પાલન નથી કરી રહી.



મુંબઈ મિરરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વોર્મઅપ મેચ પછી ભારતીય ટીમના ખેલાડીઓ મીડિયા સાથે વાતચીત માટે પહોંચ્યા ન હતા. જ્યારે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

આઈસીસીના ઇવેન્ટ હેડ ક્રિસ ટિટ્લે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી સામે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામેની મેચ પછી પોતાના ખેલાડીઓને મીડિયા ઇવેન્ટમાં મોકલ્યા હતા.