નવી દિલ્હીઃ જ્યારથી વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા છે, ત્યારથી મીડિયા અને ટીમ વચ્ચે એવો સંબંધ નથી જોવા મળતો જેવો પહેલા હતો. વિરાટ કોહલીને કેપ્ટન બનાવ્યા બાદથી જ ટીમ મીડિયાથી અંતર રાખતી જોવા મળી છે. સોમવારે તો આ મામલે ત્યારે વિવાદ થઈ ગયો જ્યારે ટીમ ઇન્ડિયાએ પ્રસ્તાવિત કાર્યક્રમ હોવા છતાં ખેલાડીઓ પ્રેસ કોન્ફરન્સ માટે ન આવ્યા. ટીમ ઇન્ડિયા તરફથી બે એવા ખેલાડી મોકલવામાં આવ્યા જે ટીમના સભ્ય ન હતા. તેનાથી નારાજ મીડિયાએ પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો.




આઈસીસી વિશ્વ કપ દરમિયાન પ્રૉટોકોલ પ્રમાણે આઈસીસીની ટીમ દિવસનો કાર્યક્રમ મીડિયાને જણાવે છે. આમાં ટીમ પ્રેક્ટિસ અને મીડિયાની સાથે વાત કરવાનાં સમયની જાણકારી હોય છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ત્યારેથી એક જ વખત ભારતના ખેલાડીઓએ મીડિયા સાથે વાત કરી છે. બાંગ્લાદેશની સામે વાર્મ અપ મેચમાં સદી બનાવનારા કેએલ રાહુલે મીડિયા સાથે વાત કરી હતી. ત્યારથી અત્યાર સુધી ટીમે 4 પ્રેક્ટિસ સેશન કર્યા છે, પરંતુ એકપણ ખેલાડી કે કોઈ અન્ય સ્ટાફે મીડિયા સાથે વાત નથી કરી.



સોમવારે ભારતીય ટીમનો કોઈ ખેલાડી મીડિયા સાથે વાત કરશે એવું કહેવામાં આવ્યું પરંતુ બાદમાં વાત કરવા માટે દીપક ચાહર અને આવેશ ખાન આવશે એવું કહ્યું. આ બંને ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરાવવા ટીમની સાથે છે. ભારતીય મીડિયા આ કારણે નારાજ થયું અને પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો.