નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપનો મુકાબલો રમશે ત્યારે તે હરીફ ટીમ સામે વિજયની અડધી સદી પૂરી કરવાનો લક્ષ્યાંક રાખશે. વન-ડેમાં બંને ટીમો અત્યાર સુધી 136 મેચ રમી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ 77 મેચમાં અને ભારતે 49 મેચમાં વિજય હાંસલ કર્યો છે.

આમ ઓસ્ટ્રેલિયા સામે વિજયની અડધી સદી પૂરી કરવા માટે ભારતને વધુ એક વિજયની જરૂર છે. વર્તમાન વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટાઈટલ માટેની પ્રબળ દાવેદાર ટીમ છે. આ મેચનો પ્રારંભ બપોરે 3 વાગ્યાથી થશે.



વર્લ્ડ કપના સૌથી મોટામાંના એક મુકાબલામાં વરસાદનું વિઘ્ન નડી શકે છે. ભારતે ઓવલ ગ્રાઉન્ડ ઉપર શુક્રવારે સવારે 10 વાગ્યે પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે વરસાદ એટલો બધો હતો કે ભારતીય ટીમ હોટેલમાંથી બહાર નીકળી શકી નહોતી.

જોકે મેચ પહેલાં રાહતની બાબત એ છે કે, લંડનમાં રવિવારે હવામાન સાફ રહે તેવી સંભાવના છે. એવું માનવામાં આવે છે કે બંને ટીમો વચ્ચેનો મુકાબલો કોઈ પણ વિઘ્ન વિના પૂરો થઈ જશે.