નવી દિલ્હી: વર્લ્ડકપ 2019માં લીગ મેચો સમાપ્ત થઈ ગઈ છે. આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે વર્લ્ડકપ સેમિફાઈનલમાં કઈ ટીમ કોની સાથે ટકરાશે. વર્લ્ડકપ સેમિફાઇનલ માટે ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડની ટીમ ક્વાલિફાઈ થઈ છે. શનિવારે રમાયેલી ડબલ હેડર મુકાબલમાં બાદ વર્લ્ડકપના પોઈન્ટ ટેબલમાં એક મોટો ફેરફાર જવા મળ્યો. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 7 વિકેટથી હરાવી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા બીજા નંબરે આવી ગયું છે.



પ્રથમ સેમિફાઈનલ ટીમ ઈન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાવાની છે. 9 જુલાઈએ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પ્રથમ સેમીફાઇનલ માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. આ સેમિફાઇનલ મેચ ભારતીય સમય પ્રમાણે 3.00 વાગ્યાથી શરૂ થશે. જ્યારે બીજી સેમીફાઈનલ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 11 જુલાઈએ વચ્ચે રમાશે.


આ પહેલા ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા અને રાહુલની શાનદાર સદીની મદદથી શ્રીલંકાને હરાવી 15 પોઈન્ટ સાથે ટોચ પર સ્થાન મેળવી લીધું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 14 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે, જ્યારે ઇંગ્લેન્ડના 12 અને ન્યૂઝિલેન્ડના 11 પોઈન્ટ છે. ભારતે ટૂર્નામેન્ટમાં પોતાની 9 મેચોમાંથી 7માં જીત મેળવી હતી જ્યારે એક મેચમાં ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને એક મેચ ન્યૂઝિલેન્ડ સામે વરસાદમાં ધોવાઈ ગઈ હતી.