નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2019માં શનિવાર ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર પોતાની અંતિમ મેચ રમી રહેલી સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 10 રનથી હાર આપી હતી. 326 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 49.5 ઓવરમાં 315 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ડેવિડ વોર્નરે સૌથી વધુ 112 રનથી ઇનિંગ રમી હતી. વોર્નર સિવાય વિકેટકીપર એલેક્સ કેરીએ 69 બોલમાં 85 રનની આક્રમક ઇનિગ રમી હતી. સાઉથ આફ્રિકા તરફથી કગિસો રબાડાએ ત્રણ વિકેટ લીધી હતી. તે સિવાય પ્રીટોરિયસ અને એડિલે ફેલુકવાયોએ બે-બે વિકેટ ઝડપી હતી. આ હાર સાથે ઓસ્ટ્રેલિયા 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પહોંચી ગયુ છે. હવે સેમિફાઇનલમાં  ઓસ્ટ્રેલિયા ઇગ્લેન્ડ સામે ટકરાશે.


આ અગાઉ વર્લ્ડકપમાં નિષ્ફળ રહેલી સાઉથ આફ્રિકાની ટીમે શાનદાર બેટિગ કરી હતી. આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 326 રનનો ટાર્ગેટ મુક્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાની કેપ્ટન ડુ પ્લેસિસે 100 રન બનાવ્યા હતા. તે સિવાય વાન ડર ડુસેને 95 અને ડિકોકે 52 રનનું યોગદાન આપ્યુ હતુ. ઇજાગ્રસ્ત હાશિમ અમલાના સ્થાન પર ડી કોક અને માર્કરામે ઓપિનિંગ કરી  હતી. બંન્ને પ્રથમ વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી લોયન અને સ્ટાર્કે  બે-બે વિકેટ ઝડપી  હતી. બેહરનડોર્ફ અને કમિન્સે એક-એક વિકેટ ઝડપી હતી.