નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં બુધવારે મેજબાન ઇંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડને 119 રને હરાવીને સેમી ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. 1992 બાદ આ પ્રથમ ઘટના છે જ્યારે ઇંગ્લિશ ટીમે વર્લ્ડકપ સેમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હોય. હવે સેમી ફાઈનલની તસવીર લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. ત્રણ ટીમ ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં સેમી ફાઈનલમાં સ્થાન નક્કી કરી લીદું છે અને ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાન પર લગભગ નક્કી છે. જોકે હજુ પણ ન્યૂઝીલેન્ડની જગ્યાએ પાકિસ્તાન સેમી ફાઈનલમાં સ્થાન મેળવી શકે છે. પરંતુ આમ કરવા માટે પાકિસ્તાને જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવવો પડશે.




આમ તો પાકિસ્તાન માટે સેમી ફાઈનલમાં ક્વોલિફાઈ કરવું લગભગ અશક્ય જ છે. પરંતુ જો તે તેની છેલ્લી મેચમાં ટોસ જીતીને બેટિંગ કરે તો સેમી ફાઈનલમાં પહોંચી શકે છે. જો ટેસ હારીને બાંગ્લાદેશ પ્રથમ બેટિંગ લે તો પછી પાકિસ્તાન મેચ જીતીને પણ સેમી ફાઈનલમાં ક્વોલિફાઈ નહીં કરી શકે.

હાલમાં ન્યૂઝીલેન્ડની 11 પોઈન્ટ સાથે નેટ રનરેટ +0.175 છે, જ્યારે પાકિસ્તાન 9 પોઈન્ટ સાથે પાંચમાં ક્રમ પર છે અને અંતિમ મેચ જીતીને પણ ન્યૂઝીલેન્ડ કરતાં રનરેટ સારી નહીં થાય. અંતિમ મેચ જીતવા પર પણ પાકિસ્તાનના પોઈન્ટ 11 થાય તો પણ નિર્ણય રનરેટ પર થશે અને નેટ રનરેટ વધારવા માટે મોટા સ્કોર સાથે જીત મેળવી પડશે, જે પ્રથમ બેટિંગ કરવા પર જ શક્ય છે.



પાકિસ્તાન જો સૌથી પહેલા બેટિંગ કરીને 400 રન બનાવે અને વિરોધી ટીમ બાંગ્લાદેશને માત્ર 84 રનમાં ઓલ આઉટ કરી દે તો પાકિસ્તાન 316 રને જીત નોંધાવીને પોતાની રન રેટ ન્યૂઝીલેન્ડ કરતાં સારી બનાવી શકે છે. જોકે વનડેમાં સૌથી મોટા અંતરે જીત મેળવાવનો વર્લ્ડ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે. તેણે આયરલેન્ડને 290 રને વર્ષ 2008માં હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડને 403 રનનો ટાર્ગેટ રાખ્યો હતો અને આયરલેન્ડ માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


પાકિસ્તાન પાસે બીજો વિકલ્પ એ છે કે ટીમ 350 રન બનાવે અને બાંગ્લાદેશને માત્ર 32 રનમાં ઓલઆઉટ કરી દે જેથી ટીમ 312 રનના માર્જિનથી જીત મેળવે. પરંતુ વનડે ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરને વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો 2003માં કેનેડાની ટીમ શ્રીલંકા વિરૂદ્ધ માત્ર 36 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.