સિડનીઃ ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર હાલ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં વર્લ્ડકપમાં રમી રહ્યો છે. વર્લ્ડકપમાં તેનો શાનદાર દેખાવ રહ્યો છે. 8 મેચની 8 ઈનિંગમાં તેણે 516 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની માટે સારા સમાચાર આવ્યા છે. ડેવિડ વોર્નરની પત્ની કેન્ડી વોર્નરે એક બેબી ગર્લને જન્મ આપ્યો છે. વોર્નરે આ અંગેની જાણકારી તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ડેવિડ વોર્નર અને કેન્ડી વોર્નરના પરિવારમાં આ ત્રીજું બાળક છે. વોર્નરને પહેલા પણ બે દીકરીઓ હતી અને આ વખતે પણ દીકરીનો જન્મ થયો છે. જેને લઈ તે ખુશ છે. ડેવિડ વોર્નરે તેની દીકરીનું નામ ઈસ્લા રોજ વોર્નર રાખ્યું છે. વોર્નરે તેની પત્ની અને દીકરી સકુશળ હોવાનું લખ્યું છે.

ડેવિડ વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં પત્ની અને ત્રણેય દીકરીઓ નજરે પડે છે. પોસ્ટમાં તેણે લખ્યું છે કે, અમે અમારા નવા સભ્ય ઈસ્લા રોઝ વોર્નરનું પરિવારમાં સ્વાગત કરીએ છીએ. ગત રાતે સાડા દસ કલાકે તેનો જન્મ થયો છે. પત્ની કેન્ડી વોર્નર ઠીક છે. મોટી બહેનની ખુશીનું કોઈ ઠેકાણું નથી.