નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં આજે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો છે. ટોસ જીતી ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને વર્તમાન વર્લ્ડકપની સૌથી ઝડપી સદી ફટકારી હતી.


મોર્ગને માનચેસ્ટરમાં રમાઇ રહેલી મેચમાં માત્ર 57 બોલમાં જ સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 11 સિક્સ અને માત્ર 3 ચોગ્ગા ફટકાર્યા હતા. મોર્ગને ફટકારેલી સદી વર્લ્ડકપના ઈતિહાસની ચોથી સૌથી ઝડપી સદી પણ છે. આ ઉપરાંત તેણે વન ડેમાં ઈનિંગમાં સૌથી વધારે સિક્સ મારવાના રોહિત શર્મા અને ક્રિસ ગેઈલનો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ બંનેએ વન ડેમાં 16-16 સિક્સ ફટકારી હતી.




વર્લ્ડકપમાં સૌથી વધુ ઝડપી સદી આયર્લેન્ડના કેવિન ઓ બ્રાયનના નામે છે. તેણે 2011માં બેંગ્લોરમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 50 બોલમાં સદી ઠોકી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે 2015માં શ્રીલંકા સામે 51 બોલમાં સદી ફટકારી હતી.



વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી કરવાના મામલે ત્રીજા નંબરે સાઉથ આફ્રિકાનો ડિવિલિયર્સ છે. તેણે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 52 બોલમાં સદી મારી હતી.