ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, પ્રસારણ અધિકાર માટે આઈસીસીને પહેલાથી જ ચૂકવણી કરી ચુહી હોય અને મેચ ન રમાવાથી જાહેરાતના રૂપમાં નુકસાન થયું હોય તેવી ચેનલે વીમા માટે દાવો કર્યો છે. ઈન્ડસ્ટ્રીના જાણકારોના જણાવ્યા મુજબ, એક મેચ માટે આશરે 60 કરોડ રૂપિયાનો વીમો હોય છે પરંતુ સેમી ફાઇનલ જેવી મેચો માટે 70 થી 80 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવે છે. ભારત-પાકિસ્તાન જેવી હાઇ પ્રોફાઇલ મેચ માટે 125 કરોડ રૂપિયા સુધી વીમો પહોંચ્યો હતો.
સામાન્ય રીતે આવી ટુર્નામેન્ટમાં વીમા કવર આંતરરાષ્ટ્રીય કંપની લોયડ દ્વારા આપવામાં આવે છે. પરંતુ આ વખતે લોયડે અન્ય બ્રોડકાસ્ટરને વીમા સુવિધા આપી છે. ભારતીય વીમા કંપનીઓની આ રીતે વીમો લેવાની ક્ષમતા 150 કરોડ રૂપિયા સુધી છે અને આ જોખમ અનેક કંપનીઓ વચ્ચે વહેંચાઈ જાય છે. જેમાં ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્શ્યોરન્સ અને ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ સામેલ છે.
ભારત આ હિસાબે ઘણું મોટું બજાર છે. કારણકે આશરે 10,500 કરોડ રૂપિયાની સ્પોન્સરશિપ પૈકી મોટાભાગની ભારતમાંથી આવે છે. આ ઉપરાંત જે ત્રણ મેચો વરસાદના કારણે સંપૂર્ણ ધોવાઈ ગઈ છે તેમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પણ સામેલ છે. આ મેચમાં વીમા કંપનીઓને મોટા પાયે નુકસાન ગયું હતું.