નવી દિલ્હીઃ આઈપીએલમાં થયેલ માંકડિંગ બાદ રવિચંદ્રન અશ્વિનની તમામ ઇંગ્લિશ ખેલાડીઓએ ખૂબ ટીકા કરી હતી. તમામ લોકો અશ્વિનની ખેલ ભાવના પર સવાલ ઉઠાવી રહ્યા હતા. પરંતુ હવે ઇંગ્લેન્ડ અને આયરલેન્ડની વચ્ચે રમાયેલ મેચમાં ઇંગ્લેન્ડના વિકેટકીપર બેન ફોક્સે કંઈક એવું કર્યું કે હવે ટ્વિટર પર લોકો આ ઇંગ્લિશ ખેલાડીની ખેલ ભાવના પર સવાલ ઉઠાવી રહ્યા છે.




ઈંગ્લેન્ડની ટીમ આયરલેન્ડ વિરુદ્ધ વન-ડે મેચ રમવા પહોંચી હતી. મેચમાં આયરલેન્ડ 25મી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 110 રન બનાવી ચૂકી હતી. 25મી ઓવર જે ડેનલી નાખી રહ્યો હતો. ઓવરના ચોથા બોલમાં એન્ડી બાલબિર્ની બેટિંગ કરી રહ્યો હતો. ડેનલીનો આ બોલ લેગ સ્ટમ્પથી બહાર હતો અને બાલબિર્નીએ સ્વીપ મારવા ગયો પણ બોલ તેમના બેટને અડ્યા વગર સીધા ફોક્સના ગ્લવ્સમાં જતો રહ્યો હતો.


બેટ્સમેન બાલબિર્ની સુરક્ષિત પોતાની ક્રિઝમાં હતો. ફોક્સ સ્ટમ્પની નજીક આવ્યો અને બેટ્સમેનને ક્રિઝ પર જોતાં તેણે પોતાનો હાથ રોકી દીધો. બેટ્સમેને વિચાર્યું કે હવે બોલ પૂરો થઈ ચૂક્યો છે. એટલે તેણે ઉભો થવાનો પ્રયાસ કર્યો. પણ તેવામાં જ પાછળથી ફોક્સે તેને સ્ટમ્પિંગ કરી દીધું.


સૌ કોઈ આ સ્ટમ્પિંગ જોઈ દંગ રહી ગયા હતા. અમ્પાયર પણ બે મિનિટ માટે વિચારમાં પડી ગયા. જે બાદ તેઓએ આ નિર્ણય માટે થર્ડ એમ્પાયરનો સહારો લીધો. જે બાદ થર્ડ એમ્પાયરે ફોક્સની સ્ટમ્પિંગને સાચી ઠેરવી બેટ્સમેનને આઉટ કરાર દીધો. જે બાદ સોશિયલ મીડિયામાં લોકો ફોક્સના આ સ્ટમ્પિંગની ટીકા કરી રહ્યા છે. તો કેટલાક લોકો તેને સ્માર્ટ વિકેટકીપિંગ ગણાવી ફોક્સના વખાણ પણ કરી રહ્યા છે.