મુંબઈ: મંગળવારે દિગ્ગજ મહિલા રેસલર ગીતા ફોગાટ માતા બની છે અને તેના ઘરે પુત્રનો જન્મ થયો છે. તેણે ટ્વીટર પર એક તસવીર શેર કરી હતી જેમાં ગીતા, તેમનો દીકરો અને પતિ પવન કુમાર જોવા મળી રહ્યાં છે.

ગીતા ફોગાટે ફોટો સાથે લખ્યું હતું કે, હેલો બોય, દુનિયામાં તારું સ્વાગત છે. તે અહીં છે બહુ સારું અનુભવી રહી છું. તમારો પ્રેમ અને આશિર્વાદ આપો. હવે આને અમારી જિંદગી પરફેક્ટ બનાવી દીધી છે. પોતાના બાળકને જન્મ લેતાં જોવાનો અહેસાસ કોઈપણ રીતે અભિવ્યક્ત ન કરી શકાય.

પૂર્વ પહેલવાન મહાવીર સિંહ ફોગાટની મોટી દીકરી ગીતાએ 3 વર્ષ પહેલા રેસલર પવન કુમાર સાથે લગ્ન કર્યાં હતાં. તેણે 2010માં દિલ્હીમાં થયેલી કોમેનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેણે કોમેનવેલ્થ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.


હરિયાણાની 31 વર્ષીય ગીતા અને તેની નાની બહેન બબીતા ફોગાટના જીવન પર ‘દંગલ’ ફિલ્મ પણ બની ચૂકી છે. આ ફિલ્મમાં તેના પિતા મહાવીરનું પાત્ર આમિર ખાને ભજવ્યું હતું.