Wrestlers Protest Update: બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગણી સાથે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનું સમર્થન વધી રહ્યું છે. બુધવારે (31 મે), દેશના ઘણા મોટા નેતાઓએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહની તાત્કાલિક ધરપકડની માંગ કરીને કુસ્તીબાજોનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત ખાપ મહાપંચાયત પણ ગુરુવારે (1 જૂન) બોલાવવામાં આવી છે.


ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ નરેશ ટિકૈતે કહ્યું કે બ્રિજભૂષણ સિંહ પર લાગેલા આરોપોને લઈને કુસ્તીબાજોના આંદોલન પર ચર્ચા કરવા ગુરુવારે એક મહાપંચાયત થશે. તેનું આયોજન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના શોરમ ગામમાં કરવામાં આવશે. કુસ્તીબાજો મંગળવારે તેમના મેડલ્સને ગંગા નદીમાં ડૂબાડવા માટે હરિદ્વાર ગયા હતા પરંતુ નરેશ ટિકૈત અને અન્ય ખાપ અને ખેડૂત નેતાઓની સમજાવટ તેમણે મેડલ નદીમાં ફેંક્યા નહોતા. ટિકૈતે ખેલાડીઓ પાસેથી પાંચ દિવસનો સમય માંગ્યો હતો. આ ખાપ મહાપંચાયતમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને દિલ્હીના વિવિધ ખાપના પ્રતિનિધિઓ ભાગ લેશે.


નરેશ ટિકૈતે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે જો અહીં કાંઇ પણ માહોલ ખરાબ થશે તો તેની જવાબદારી સરકાર અને બ્રિજ ભૂષણની રહેશે. બ્રિજભૂષણ સિંહે પણ આવે અને પોતાનો મત રજૂ કરે. એવી કોઈ વાત નથી કે અમે બ્રિજ ભૂષણને સાંભળીએ નહીં. આવતીકાલે સત્તાધારી પક્ષમાંથી કોઈને આવવું હોય તો તે આવી શકે છે. આ બાળકોના ભવિષ્યની વાત છે. અમે ખેલાડીઓએ પાંચ દિવસનો સમય આપ્યો છે. કુસ્તીબાજોએ મને કહ્યું હતું કે જો પાંચ દિવસમાં કંઈ નહીં થાય તો તેઓ આત્મહત્યા જેવું પગલું ભરશે. મહિલા કુસ્તીબાજો તણાવમાં છે.


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કુસ્તીબાજોના સમર્થનમાં બુધવારે હાઝરા મોડથી રવીન્દ્ર સદન સુધી રેલી કાઢી. બેનર્જીના હાથમાં એક પ્લેકાર્ડ હતું જેના પર "અમને ન્યાય જોઈએ છે" લખેલું હતું. આ દરમિયાન તેણે કહ્યું કે અમારી એક ટીમ રેસલર્સને મળવા જશે અને તેમને સપોર્ટ કરશે. અમે તમારી સાથે છીએ, એટલા માટે આજે અમે આ રેલી કાઢી છે. કુસ્તીબાજો આપણા દેશનું ગૌરવ છે. કુસ્તીબાજોને ખરાબ રીતે મારવામાં આવ્યા હતા અને તેનાથી વૈશ્વિક સ્તરે દેશની છબી ખરાબ થઈ છે. મેં તેમને કહ્યું છે કે તેઓ તેમનું આંદોલન ચાલુ રાખે.


રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ચોક્કસપણે ઉકેલ મળશે. મામલાની તપાસ ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે તેમણે એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જેનાથી રમતનું મહત્વ ઘટે. કુસ્તીબાજોના આરોપોની તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. WFI ચૂંટણી યોજશે


WFI ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું કે જો મારા પર એક પણ આરોપ સાબિત થશે તો હું મારી જાતને ફાંસી આપીશ. જો તમારી પાસે (કુસ્તીબાજો) કોઈ પુરાવા હોય તો કોર્ટમાં રજૂ કરો અને હું કોઈપણ સજા સ્વીકારવા તૈયાર છું.