Brij Bhushan Singh WFI Resignation: જંતર-મંતર ખાતે કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીના આરોપો બાદ ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર રાજીનામું આપવાનું દબાણ વધી ગયું છે. ઈન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે રમતગમત મંત્રાલયે ગુરુવારે બ્રિજભૂષણ સિંહને અલ્ટીમેટમ આપ્યું છે અને તેમને 24 કલાકની અંદર રાજીનામું સોંપવા કહ્યું છે. આ પહેલા કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી.






બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને રવિ દહિયા મોડી સાંજે કેન્દ્રીય મંત્રી સાથેની બેઠકમાં સામેલ થયા હતા. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરના કુસ્તીબાજ અને વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ વિજેતા વિનેશ ફોગાટે ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ પર મહિલા રેસલર્સનું જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.






રાજીનામા અને તપાસની માંગ


નવી દિલ્હીના જંતર-મંતર પર બેઠેલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણના રાજીનામાની માંગ કરી હતી અને સરકારને રાષ્ટ્રીય કુસ્તી મહાસંઘને વિસર્જન કરવા વિનંતી કરી હતી. વિરોધ શરૂ થયા પછી રમતગમત મંત્રાલયે બુધવારે (18 જાન્યુઆરી) WFI પાસેથી તેના અને તેના પ્રમુખ પર લાગેલા આરોપો પર સ્પષ્ટતા માંગી હતી. બીજી તરફ, ગુરુવારે દિવસ દરમિયાન સમાચાર આવ્યા હતા કે બ્રિજ ભૂષણ 22 જાન્યુઆરીએ ઇમરજન્સી બેઠકમાં રાજીનામું આપી શકે છે.


'હું CBIનો સામનો કરવા તૈયાર છું'


બ્રિજ ભૂષણે કહ્યું, "હું એફઆઈઆરનો સામનો કરવા તૈયાર છું, હું સીબીઆઈનો સામનો કરવા તૈયાર છું. હું ભારતમાં સર્વોચ્ચ કાનૂની સત્તાનો સામનો કરવા માટે પણ તૈયાર છું. મેં એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં હાજરી આપી છે. "અને તેઓ જે પણ નિર્ણય લેશે હું કરીશ. હું તેમનાથી મોટો નથી અને દેશથી પણ મોટો નથી.