ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ 7 જૂનથી લંડનના ઓવલ મેદાન પર રમાશે. આ ફાઇનલ મેચ 7 થી 11 જૂન દરમિયાન રમાશે. ટીમ ઈન્ડિયા આ ટાઈટલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. મેચ પર વરસાદનો ખતરો છે. પરંતુ વરસાદ સિવાય એક અન્ય ખતરો પણ મંડરાઇ રહ્યો છે જે મેચ માટે અવરોધ બની શકે છે, જેનું નામ છે 'જસ્ટ સ્ટોપ ઓઇલ'.


ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં લંડનમાં છે અને આ દિવસોમાં લંડનમાં 'જસ્ટ સ્ટોપ ઓઈલ' પ્રદર્શન થઈ રહ્યા છે. આ પ્રદર્શનો હેઠળ વિરોધીઓ યુકે સરકારના નવા તેલ, ગેસ અને કોલસા પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે સરકારે આ પ્રોજેક્ટ્સને લગતા લાયસન્સ તાત્કાલિક રદ કરવા જોઈએ.






ક્રિકેટ સહિતની મોટી ઈવેન્ટ્સને નિશાન બનાવતા વિરોધીઓ


લંડનમાં 'જસ્ટ સ્ટોપ ઓઈલ' વિરોધીઓ સરકાર અને તેની નીતિઓથી નારાજ છે. તેઓ માને છે કે સરકારની પર્યાવરણ વિરોધી નીતિઓનું નુકસાન તમામ લોકોએ સહન કરવું પડશે. 'જસ્ટ સ્ટોપ ઓઈલ'ના પ્રવક્તાએ કહ્યું હતું કે હવામાનના પતનથી કોઈ સુરક્ષિત નથી. આ આપણા માટે મહત્વની દરેક વસ્તુનો નાશ કરશે. આપણી પાસે અફસોસ કરવા માટે કંઈ બાકી રહેશે નહીં.


ઇંગ્લેન્ડની ટીમ ગુરુવારે આયરલેન્ડ સામે ટેસ્ટ રમવા માટે લોર્ડ્સ જવા રવાના થઇ હતી. આ દરમિયાન ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ જે બસમાં મુસાફરી કરી રહી હતી તેને પ્રદર્શનકારીઓએ રોકી હતી. લાંબા સમય સુધી બસ આંદોલનકારીઓ વચ્ચે ફસાઈ ગઈ હતી. સ્થિતિ એવી બની ગઈ હતી કે સુરક્ષાકર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને ખેલાડીઓને બહાર કાઢ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.


અહેવાલો અનુસાર, ઓવલ સ્ટેડિયમ મેનેજમેન્ટે WTC ફાઈનલ માટે બે પિચો તૈયાર કરી છે. દેશભરમાં ચાલી રહેલા ઓઈલ પ્રોટેસ્ટને કારણે તેણે આ નિર્ણય લીધો છે. તેમને ડર છે કે વિરોધ કરી રહેલા લોકો પિચને નુકસાન પહોંચાડી શકે છે. જો આમ થાય છે તો મેચ બીજી પિચ પર રમાડવામાં આવી શકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને આશંકા છે કે વિરોધીઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ખલેલ પહોંચાડી શકે છે.


જસ્ટ સ્ટોપ ઓઈલ શું છે?


તે પર્યાવરણીય એક્ટિવિસ્ટ ગ્રુપ છે. જે પર્યાવરણને લગતા મુદ્દાઓને ભારપૂર્વક ઉઠાવે છે. ગયા વર્ષે માર્ચમાં આ ગ્રુપ સૌપ્રથમ ચર્ચામાં આવ્યું હતું. આ ગ્રુપ બ્રિટનમાં તેલ અને અન્ય અશ્મિભૂત ઇંધણની શોધ માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા લાઇસન્સનો વિરોધ કરે છે. યુકે સરકાર 2025 સુધીમાં દેશમાં 100 થી વધુ નવા તેલ અને ગેસ પ્રોજેક્ટ્સ માટે લાઇસન્સ જાહેર કરવાની યોજના ધરાવે છે. જસ્ટ સ્ટોપ ઓઈલ માને છે કે યુકે સરકારની આ યોજનાઓ પર્યાવરણ માટે હાનિકારક છે, જેના પરિણામો માનવજાતે પેઢીઓ સુધી ભોગવવા પડશે.