Year Ender 2021: વર્ષ 2021 પુરુ થયુ, હવે નવા વર્ષથી નવા રેકોર્ડ અને યાદો આવશે. વર્ષ 2021 તમામ લોકો માટે ખાસ રહ્યું પરંતુ સૌથી ખાસ ભારતીય હૉકી માટે રહ્યું, કેમ કે  આ વર્ષે ભારતીય પુરુષ હૉકીએ નવો ઇતિહાસ રચી દીધો અને દેશનુ દિલ જીતી લીધુ. પુરૂષ ટીમ 41 વર્ષની રાહ જોયા બાદ ઓલિમ્પિક મેડલ જીતવામાં સફળ રહી, એટલુ જ નહીં ભારતીય મહિલા ટીમે પોતાની હિંમત બતાવી ચાહકોનું દિલ અને વિશ્વાસ જીતી લીધો. આ તમામ વસ્તુઓ ટોક્યો ઓલિમ્પિક 2020માં જોવા હતી. 


પહેલા વિદેશી પ્રવાસમાં કર્યો કમાલ- 
બન્ને ટીમો માટે ગયુ વર્ષ કોરોનાની સાથે પસાર થયું હતું. બન્ને ટીમના ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. ટીમોએ લગભગ એક વર્ષ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ (International match) રમી ન હતી. બાદમાં માર્ચમાં, પુરુષોની ટીમ યુરોપના પ્રવાસે ગઈ હતી જ્યાં તેણે જર્મની, બ્રિટન જેવી મજબૂત ટીમોને હરાવી હતી અને જીત સાથે પરત ફર્યા હતા. મહિલા ટીમ પણ 12 મહિના બાદ આર્જેન્ટીનાના પ્રવાસે ગઈ હતી. જો કે ટીમ અહીં જીતી શકી ન હતી, પરંતુ તે હાર અને ડ્રો સાથે જ દેશમાં પરત ફરી હતી.


કોરોનાના કારણે નડી સમસ્યાઓ- 
કોરોનાની બીજી લહેરના કારણે બન્ને ટીમો ફરી એકવાર મેદાનની બહાર હતી. બંને ટીમો બેંગ્લોરના સાઈ સેન્ટરમાં હતી જ્યાં તેમનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો. ખેલાડીઓ કોવિડના કડક પ્રોટોકોલ વચ્ચે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ઓલિમ્પિક પહેલા ટીમોને પ્રેક્ટિસ માટે મેચ રમવાની તક મળી ન હતી. જો કે આ તૈયારી સાથે ટીમ ટોક્યો પહોંચી ગઈ હતી.


જ્યારે ભારતીય હોકી ટીમ ટોક્યો પહોંચી ત્યારે મહિલા ટીમે પાંચ મહિના સુધી આંતરરાષ્ટ્રીય મેચ રમી ન હતી જ્યારે પુરૂષ ટીમ ચાર મહિનાથી પ્રતિસ્પર્ધી સામે રમી ન હતી. સતત બીજી વખત ઓલિમ્પિક રમી રહેલી મહિલા ટીમ પોતાને સાબિત કરવા માટે બેતાબ હતી જ્યારે પુરુષોની ટીમની નજર 41 વર્ષ બાદ ઐતિહાસિક મેડલ પર હતી. બંને ટીમોએ જે વિચાર્યું તે કર્યું.


ટોક્યો ઓલિમ્પિકમાં કરી દીધો કમાલ, દેશવાસીઓ થઇ ગયા ખુશ-
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ મેચમાં નેધરલેન્ડે તેને 5-1થી કારમી હાર આપી હતી. ટીમનો સામનો જર્મનીની મજબૂત ટીમ સાથે થયો હતો, આ મેચ 2-0થી હારી ગઈ હતી. ત્યારબાદ બ્રિટને પણ ટીમ ઈન્ડિયાને 4-1થી કચડી નાખ્યું હતું. બાદમાં દક્ષિણ આફ્રિકા સામે કરો યા મરો મેચમાં ભારતીય ટીમે 4-3થી રોમાંચક વિજય મેળવ્યો હતો. આ પછી ભારતે વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું હતું. ઓલિમ્પિકમાં પ્રથમ વખત સેમિફાઇનલ રમનાર ભારતીય ટીમને આર્જેન્ટિનાએ 2-1થી પરાજય આપ્યો હતો. આ સાથે જ તે બ્રોન્ઝ મેડલ મેચ પણ હારી ગઈ હતી. જોકે, ટીમ પર ગર્વ એટલો ને એટલો રહ્યો હતો. 


પુરુષ હૉકી ટીમનો ટોક્યોમાં ડંકો, 41 વર્ષે રચ્યો ઇતિહાસ- 
પુરૂષોની ટીમની વાત કરીએ, મનપ્રીત સિંહની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયાએ 41 વર્ષે મેડલનો દુષ્કાળ ખતમ કરી નાંખ્યો.  ભારતે પોતાની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. જો કે આ પછી તેને ઓસ્ટ્રેલિયાના હાથે 1-7થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતે સ્પેનને 3-0 અને આર્જેન્ટિનાને 3-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે ગ્રેટ બ્રિટનને પણ હરાવ્યું. પરંતુ સેમીફાઈનલમાં ભારતનો સામનો વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સામે થયો અને હાર મળી, ભારતીય ટીમ 2-5થી હારી ગઈ. જોકે, બ્રોન્ઝ મેડલની તક હજી ગઈ નહોતી. બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતે 5-4થી જીત મેળવીને દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.