હિંમતનગરઃ હેડ ક્લાર્ક પેપરકાંડમાં રવિવારે ઉત્તર ગુજરાતમાંથી વધુ 5 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ તાલુકામાંથી પાંચ આરોપીઓને પકડીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. આ સિવાય જેમના 27મી ડિસેમ્બરે રિમાન્ડ પૂરા થઈ રહ્યા હતા તેવા 12 આરોપીઓને પણ વધુ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. જોકે, કોર્ટે રિમાન્ડ મંજૂર ન કરતાં તેમને હિંમતનગર સબ જેલમાં મોકલી અપાયા હતા.
નવા પકડાયેલા 5 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંગાયા હતા. જોકે, કોર્ટે રિમાન્ડની માંગણી પણ કોર્ટે ફગાવી હતી. અત્યાર સુધીમાં પોલીસ બે યુવતીઓ સહિત 28 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. સૂત્રો અનુસાર છેલ્લા 24 કલાકમાં કૌભાંડમાં સંડોવાયેલા અને મુખ્ય સૂત્રધાર મનાતા જયેશ પટેલના ભાઈ સંજય પટેલને ધાનેરાથી, ઇડરના વિરપુરમાંથી અક્ષય પટેલ અને વિપુલ પટેલ, હિંમતનગરના આકોદરામાંથી પ્રકાશભાઈ પટેલ અને ધીમેન પટેલની રવિવારે મોડી સાંજે પોલીસે ધરપકડ કરી રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જોકે, કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા નથી.
અગાઉ 27 ડિસેમ્બરે જેમના રિમાન્ડ પૂરા થતાં હતા તે મુખ્ય સૂત્રધાર જયેશભાઇ ઇશ્વરભાઇ પટેલ સહિત કુલદિપકુમાર નલીનભાઇ પટેલ, ધ્રુવ ભરતભાઇ બારોટ, મહેશકુમાર કમલેશભાઇ પટેલ, ચિંતન પ્રવિણભાઇ પટેલ, દર્શન કિરીટકુમાર વ્યાસ, સુરેશ રમણભાઇ પટેલ, જશવંતભાઇ હરગોવનભાઇ પટેલ, મહેન્દ્રભાઇ એસ પટેલ, રીતેશકુમાર ઉર્ફે ચકો ભીખાભાઈ પ્રજાપતિ, રોનક મુકેશભાઈ સાધુ, દાંનાભાઈ ઉર્ફે કાનાભાઈ ખોડાભાઈ ડાંગર મળી કુલ 12 આરોપીને કોર્ટમાં વધુ રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. જોકે, કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરી બાકીની જમીન અરજીઓ નામંજૂર કરતાં તમામને હિંમતનગર સબજેલમાં મોકલી અપાયા હતા.
પકડાયેલા પાંચ આરોપી
સંજય પટેલને ધાનેરાથી, ઇડરના વિરપુરમાંથી અક્ષય પટેલ અને વિપુલ પટેલ, હિંમતનગરના આકોદરામાંથી પ્રકાશભાઈ પટેલ અને ધીમેન પટેલને પકડ્યો હતો.