નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી-20 વર્લ્ડકપ અને 2011નો આઈસીસી વર્લ્ડકર જીતાડવામાં મુખ્ય ફાળો આપનારા યુવરાજ સિંહે ફરી એક વખત ચોંકાવનારું નિવેદન કર્યુ છે. તેણે કહ્યું કે, કોઈ પણ કેપ્ટનનો તેનો એક મનપસંદ ખેલાડી હોવા સામાન્ય વાત છે. સુરેશ રૈના ધોનીનો માનતો ખેલાડી હતો, તેને પૂર્વ ભારતીય કેપ્ટનનું સમર્થન મળતું હતું.

યુવરાજે કહ્યું, સુરેશ રૈનાને ધોનીનું ખૂબ સમર્થન મળતું હતું. 2011ના વર્લ્ડકપ દરમિયાન ધોનીને ટીમ પસંદ કરતી વખતે પ્લેઇંગ ઇલેવનમાં યુસુફ પઠાણ અને સુરેશ રૈનામાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી ત્યારે માથાનો દુખાવો બન્યો હતો.

યુવરાજ સિંહના કહેવા પ્રમાણે, તે સમયે યૂસુફ પઠાણ પણ સારું પ્રદર્શન કરતો હતો અને હું પણ શ્રેષ્ઠ દેખાવ કરતો હતો અને વિકેટ પણ લેતો હતો. રૈના તે સમયે સારા લયમાં નહોતો. તે સમયે અમારી પાસે ડાબોડી સ્પિનર નહોતો અને હું વિકેટ લેતો હતો તેથી તેમની પાસે મારી સિવાય કોઈ વિકલ્પ નહોતો.

યુવરાજ સિંહે કહ્યું કે, જ્યારે 2007ના ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે સ્ટુઅર્ટ બોર્ડની ઓવરમાં છ છગ્ગા માર્યા ત્યારે મારા બેટ પર સવાલ ઉઠ્યા હતા. જે બાદ મેચ રેફરીએ મારા બેટની તપાસ કરી હતી. તે સમયે ઓસ્ટ્રેલિયાનો કોચ મારી પાસે આવ્યો હતો અને પૂછ્યું હતું કે શું મારા બેટની પાછળ ફાઈબર લગાવેલું છે અને તે માન્ય છે.

તેણે એમ પણ કહ્યું કે, દાદા (સૌરવ ગાંગુલી) મારો પસંદગીનો કેપ્ટન છે. તેમણે મને ખૂબ સમર્થન કર્યું, સૌથી વધારે. જ્યારે અમે યુવા હતા ત્યારે તેમણે અમારી પ્રતિભાને નીખારી અને પૂરતી તક આપી હતી.