નવી દિલ્હીઃ આઇસીસીએ પોતાની વાર્ષિક બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે, ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો છે. ICCએ આ નિર્ણય ઝિમ્બાબ્વે ક્રિકેટ પર અનુશાસનના સિદ્ધાંતોનુ પાલન ના કરવાના કારણે લીધો છે. ઝિમ્બાબ્વે ક્રિકેટ પર લગાવેલા આ પ્રતિબંધ બાદ હવે આ વર્ષે રમાનારા મેન્સ ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં રમવાનું ખતરામાં પડી ગયુ છે.
આ નિર્ણય બાદ આઇસીસીના ચેરમેન શસાંક મનોહરે કહ્યું કે, "અમે કોઇપણ સભ્યને બેન કરવાના નિર્ણયને હલકામા નથી લેતા, પણ અમારે રમતને રાજકીય હસ્તક્ષેપથી મુક્ત કરવુ જોઇએ. ઝિમ્બાબ્વેમાં જે થયુ તે આઇસીસી સંવિધાનનું એક ગંભીર ઉલ્લંઘન છે અને અમે અનિયંત્રિત ચાલુ રાખવાની અનુમતિ નથી આપી શકતા.''
નોંધનીય છે કે ઝિમ્બાબ્વે ક્રિકેટમાં સરકારી હસ્તક્ષેપ ખુબ વધી ગયો છે, તાજેતરમાં જ સરકારના રમતગમત મંત્રાલયે ઝિમ્બાબ્વે ક્રિકેટને બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કરવા માટે સસ્પેન્ડ કરી દીધુ હતુ.