સુરતમાં ભાજપની સભા ખોરવનારા વિપુલ માંગુકિયાની ઋત્વિજની રેલીમાં ધોલાઈ કરી લોહીલુહાણ કરાયો

વિજય માંગુકીયાને તત્કાળ સારવાર અર્થે સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો હતો. આ વાતની ખબર પડતાં સ્મીમેર હોસ્પિટલ ખાતે પાટીદાર સમર્થકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. તેના કારણે વાતાવરણ તંગ થઈ ગયું હતું. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને ટોળાંને તાત્કાલિક વિખેરી નાખ્યાં હતાં.
સુરતઃ ગુજરાત યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલની મંગળવારે સુરતમાં રેલી દરમિયાન ભાજપના કાર્યકરો અને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના સભ્યો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન પાસના આગેવાન વિપુલ માંગુકિયાની ભાજપના કાર્યકરોએ ભારે ધોલાઈ કરી લોહીલુહાણ કરી નાંખ્યો હતો.
ડો.ઋત્વિજ પટેલની રેલી દરમિયાન પાસના કાર્યકરો વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે તેવી આશંકાને પગલે પોલીસે પાસના ધાર્મીક માલવિયા સહીત 12થી વધુને તકેદારીના ભાગરૂપે સવારે જ ડિટેઈન કરી લીધા હતા. આમ છતાં પાસના કાર્યકરો દ્વારા ઈંડાં ફેંકીને વિરોધ કરાતાં સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.
ઋત્વિજ પટેલ ભાજપના કાર્યકરો સાથે પુણા વિસ્તારમાંથી રેલી કાઢીને જાહેર સભા સ્થળે જઇ રહ્યા હતા ત્યારે પાસના કાર્યકરોએ ઇંડા, શાહી ફેકી ડો.ઋત્વિજ પટેલનો ઉગ્ર વિરોધ કર્યો હતો. એ વખતે વરાછામાં વિરોધ કરવા નિકળેલા પાસના કાર્યકર વિજય માંગુકીયા પર ભાજપના કાર્યકરોએ હુમલો કરીને લોહીલુહાણ કરી દીધો હતો.
વિપુલ માંગુકિયાએ અગાઉ પણ સુરતમાં ભાજપની સભામાં ધમાલ કરી હતી. માંગુકિયાએ મીડિયા ગેલેરીમાંથી અમિત શાહ ગો બેકના નારા લગાવ્યા હતા. તેના પગલે બીજા પાસ કાર્યકરો પણ મેદાનમાં આવી ગયા હતા અને તેમણે ખુરશીઓ ઉછાળતાં અમિત શાહનો કાર્યક્રમ ઝડપથી સમેટી લેવાની ફરજ પડી હતી.