સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું સુરત ખાતે નિધન
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર ભગવતીકુમાર શર્માના સુરત ખાતે થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખ ની લાગણી વ્યક્ત કરીને સદ્દગતને શ્રધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ ભાવાંજલી આપતા કહ્યું કે, ભગવતીકુમાર શર્માના નિધનથી સાહિત્ય જગત અને પત્રકારીતા ક્ષેત્રને ન પુરાય એવી ખોટ પડી છે. કટાર લેખન અને રચનાઓથી બહુવિધ વિષયોને સમાજ સમક્ષ ઉજાગર કરવામાં ભગવતીકુમાર શર્માનું પ્રદાન સદાકાળ આપણને યાદ રહેશે.
ભગવતીકુમાર શર્માનો જન્મ 31 મે 1934ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે 1950માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો હતો. 1968માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સ્નાતકની પદવી મેળવી હતી. ભગવતીકુમાર શર્મા 1955માં ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા હતા. તેઓ 2009થી 2011 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.
સુરતઃ ગુજરાતી સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું આજે સવારે 6 કલાકે સુરત ખાતે તેમના નિવાસ્થાને નિધન થયું છે. તેઓ ઘણાં સમયથી બીમાર હતા. ભગવતીકુમાર શર્માનું કવિતા, ટૂંકી વાર્તા અને નવલકથામાં વિશેષ પ્રદાન રહ્યુ છે. તેમને 1977માં કુમારચન્દ્રક,1984માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને 1988માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.