સુરતઃ ધનિક શિક્ષિકાએ સ્કૂલમાં પોતાના બદલે રાખી 5000ની શિક્ષીકા, પોતે ફોર-વ્હીલરમાં આવી સહી કરી નિકળી જતાં

આ મામલામાં શાળાનાં આચાર્ય વૈશાલીબેન સુતરીયા, નીરીક્ષક, સીઆરસી, શાસનાધિકારી તમામને ખબર હતી. છતાં કયાં કારણોસર મધુબેન સામે કોઇ પગલાં નહીં લવાયા તે પણ તપાસ માંગી લે છે. મધુબેન વગદાર પરિવારનાં હોવાથી તેમને બચાવી લેવાના પ્રયાસો કરાતા હોવાનું કેટલાક શિક્ષકોએ જણાવ્યું. ( તમામ ફોટોસ પ્રતિકાત્મક છે.)
આ અંગે હસમુખ પટેલે જણાવ્યું કે, કાપોદ્રાની16 નંબરની શાળામાં શિક્ષિકા મધુબેન પટેલ શાળાએ નહીં આવતા હોવાની ફરીયાદ મારા ધ્યાન પર આવી હતી. શાળામાં જઇને તપાસ કરતાં મધુબેને ગેરહાજર હોવાનો રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમને હાજર રહેવા તાકીદ કરી શાસનાધિકારીને પગલા લેવા જાણ કરી હતી.
સુરતઃ સુરતના કાપોદ્રાની એક શાળામાં દોઢ વર્ષથી શિક્ષિકા માત્ર હાજરી પુરાવવા શાળામાં આવે છે અને પોતાના બદલે રૂપિયા 5 હજારમાં અન્ય શિક્ષિકાને ભણાવવા રાખ્યાં હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. આ પ્રકરણની સમિતિના ચેરમેનને જાણ થઇ હતી પણ પગલાં એકશન લેવાને બદલે તેમણે વાતને દબાવી દીધી.
ચેરમેને સાથી સભ્ય ચીમન પટેલ સાથે ગુપ્ત રાહે શાળામાં જઇને તપાસ કરી. દરેક શિક્ષકોનાં નિવેદનો લેવાયાં હતા. બાળકોએ પણ મધુબેનની જગ્યાએ અન્ય શિક્ષક ભણાવતા હોવાનું કબૂલ્યું હતું. તેમ છતાં શિક્ષિકા સામે કાર્યવાહી કરવાને બદલે સમગ્ર મામલાને દબાવવા શિક્ષિકાને ફરજ પર હાજર કરી દીધી હોવાનું જાણવા મળે છે.
મધુબેન સંપન્ન પરિવારનાં હોવાથી બપોરના 12 વાગ્યે પોતાની કાર લઈને આવતાં અને શાળાના રજીસ્ટરમાં સહી કરીને નિકળી જતાં હતાં. સાંજે સ્કૂલ છૂટવાના સમયે ફરી સ્કૂલમાં હાજરી પૂરવા આવીને નિકળી જતાં હતાં આ સિલસિલો લાંબા સમયથી ચાલતો હતો. છેવટે શિક્ષણ સમિતીના ચેરમેન હસમુખ પટેલને જાણ કરાઈ હતી.
આ કેસની વિગત એવી છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કાપોદ્રાની શાળા ક્રમાંક નં 16 બપોરની પાળીમાં મધુબેન રવજીભાઇ પટેલ ફરજ બજાવે છે. છેલ્લા દોઢ વર્ષથી મધુબેન શાળામાં હાજરી પુરીને જતા રહેતા. 40 હજાર પગાર મેળવતી આ શિક્ષિકાએ રૂપિયા 5 હજારમાં અન્ય શિક્ષિકાને તેમના સ્થાને ભણાવવા રાખી હતી.