સુરતના આ બિઝનેસમેને ફરી બતાવી દરિયાદીલી, ત્રણ કર્મચારીઓને આપી મર્સિડિઝ કારની ભેટ
સુરતઃ કર્મચારીઓને ભેટમાં કાર, લક્ઝુરિયસ જ્વેલરી અને મકાન ભેટમાં આપવા માટે જાણીતી હરીકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા પોતાના કર્મચારીઓને ભેટમાં મોંઘી લક્ઝુરિયસ મર્સિડિઝ કાર આપવામાં આવી છે. કંપનીમાં 25 વર્ષ પૂર્ણ કરનાર ત્રણ મેનેજરોને ભેટમાં કંપની દ્વારા મર્સિડિઝ કાર આપવામાં આવી છે. આ તબક્કે મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કર્મચારીઓને કાર આપવાની સાથે જ મૃતક કર્મચારીને એક કરોડ રૂપિયાની સહાય પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ દિલદાર બિઝનેસમેન પોતાની કંપનીના કર્મચારીઓને મોંઘી મોંઘી ભેટ આપવાને લઈ લાઈમ લાઈટમાં આવી ચુકેલા છે. તમને જણાવી દઈએ કે, તેઓ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પોતાના કર્મચારીઓને કાર, મકાન, સોનું, ડાયમંડ સેટ વગેરે ભેટ સોગાદો આપી રહ્યા છે. તેમની કંપની હરે ક્રિષ્ના એક્સપોર્ટ દ્વારા કંપનીમાં કામ કરતા 1660થી વધુ કર્મચારીઓને બોનસમાં કાર અને મકાન આપી રહી છે. તેમની કંપની લગભગ 6 કરોડની બજાર વેલ્યુ ધરાવે છે. તેઓ સૌપ્રથમ પોતાના 1660 કર્મચારીઓને 51 કરોડની કિંમતની 1260 કાર અને 400 જેટલા મકાન અને 56 કર્મચારીઓને ડાયમંડ સેટ આપવાને લઈ લાઈમ લાઈટમાં આવ્યા હતા.
ડાયમંડ કંપનીના માલિક સવજીભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, કંપનીમાં છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવતાં વિશ્વાસુ અને વફાદાર કર્મચારીઓનું સન્માન કરીને તેમને બિરદાવવામાં આવ્યાં છે. ત્રણેય કર્મચારીઓને કંપની દ્વારા મર્સિડિઝ કાર આપવામાં આવી છે. સવજીભાઈએ વધુમાં ઉમેર્યુ હતું કે મને શોખ છે કાર આપવાનો અને એમાં મને આનંદ મળે છે.
આ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, તથા મધ્યપ્રદેશના રાજ્યપાલ પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જે સમયે કર્મચારીઓને લક્ઝુરિયસ કાર ભેટમાં આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે પુરો સમારોહ તાલીઓના ગડગડાહટથી ગૂંજી ઉઠ્યો હતો. મહેશ ચાંદપરા, મુકેશ ચાંદપરા અને નિલેશ જાડા નામના ત્રણેય કર્મચારીઓને મર્સિડિઝ કાર આપવામાં આવી હતી. કંપનીના ત્રણેય કર્મચારીઓને તેમના પરિવારજનોની હાજરીમાં કાર આપવામાં આવી હતી.