OTT પ્લેટફોર્મ પર અશ્લીલતા ફેલાવતી એપ્સ સામે સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. કેન્દ્ર સરકારે સંસદમાં માહિતી આપી છે કે અત્યાર સુધીમાં અશ્લીલ, હિંસક, એડલ્ટ અને સાંસ્કૃતિક રીતે વાંધાજનક કન્ટેન્ટ પીરસતી 43 ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મને બ્લોક કરવામાં આવ્યા છે. સરકારે IT એક્ટ 2000 હેઠળ માહિતી ટેકનોલોજી નિયમો 2021ને સૂચિત કર્યું છે. નિયમો અનુસાર, OTT પ્લેટફોર્મ માટે સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું કે, નિયમોના પાર્ટ III માં ઓનલાઈન ક્યૂરેટેડ કન્ટેન્ટ અને ડિજિટલ સમાચાર પ્રકાશકો માટે આચારસંહિતા પ્રદાન કરવામાં આવી છે. OTT પ્લેટફોર્મે તેનું પાલન કરવું પડશે કે તે કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈપણ કન્ટેન્ટ બતાવતું નથી.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી છે કે OTT પ્લેટફોર્મ નિયમોના શિડ્યૂલમાં આપેલા સામાન્ય માર્ગદર્શિકાનું પાલન કરવા માટે બંધાયેલા છે, એટલે કે, OTT પ્લેટફોર્મ નગ્નતા અને હિંસા સંબંધિત કંઈપણ દર્શાવતી કોઈપણ કન્ટેન્ટ બતાવી શકતા નથી.

જો કાયદો તોડવામાં આવશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે

IT એક્ટ 2000ની કલમ 79(3)(b) માં જોગવાઈ છે કે જો કોઈ OTT પ્લેટફોર્મ કાયદો તોડે છે અને અશ્લીલ કન્ટેન્ટ બતાવે છે તો તે એપ્લિકેશન પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સંબંધિત મંત્રાલયો સાથે વાતચીત બાદ અત્યાર સુધીમાં 43 OTT પ્લેટફોર્મ બ્લોક કરવામાં આવ્યા છે. પોર્નોગ્રાફિક કન્ટેન્ટ પર કડક કાર્યવાહી કરવા માટે, સરકારે ગયા અઠવાડિયે ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને 25 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં Ullu, ALTT અને Desiflix વગેરે જેવા ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.

પ્રતિબંધિત એપ્સના નામ

બૂમેક્સ, બિગ શોર્ટ્સ એપ, ગુલાબ એપ, નવરસા લાઈટ, બુલ એપ, કંગન એપ, વૉવ એન્ટરટેઈમેન્ટ, જલવા એપ, હિટપ્રાઈમ, લુક એન્ટરટેઈમેન્ટ, ફેનેઓ, સોલ ટૉકીઝ, શોએક્સ, હૉટએક્સ વીઆઇપી, અડ્ડા ટીવી, હલચલ એપ, નિયોનએક્સ વીઆઇપી, મૂડએક્સ, મોઝફ્લિક્સ, ફુગી અને ટ્રાઈફ્લિક્સ સામેલ છે.