Spam Calls Survey: દેશમાં સ્પેમ કોલ અને મેસેજની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. TRAIના પ્રયાસો છતાં આવા કિસ્સાઓ ઓછા નથી થઈ રહ્યા. તાજેતરમાં જાહેર કરાયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વે મુજબ, લગભગ 95% ભારતીયો હવે દરરોજ અનિચ્છનીય કોલ અને મેસેજનો સામનો કરી રહ્યા છે. હકીકતમાં, છેલ્લા 6 મહિનામાં આ કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત ફોનમાં હાજર DND ફીચર પણ આવા કોલ્સને રોકવામાં મદદરૂપ સાબિત નથી થઈ રહ્યું.              


તાજેતરમાં, LocalCircles એ એક સર્વે હાથ ધર્યો છે, જે મુજબ 95% ભારતીય મોબાઈલ વપરાશકર્તાઓ હવે દરરોજ સ્પેમ કૉલ્સ પ્રાપ્ત કરી રહ્યા છે. લોકોને છેતરવા માટે સ્કેમર્સ પણ અવનવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. સર્વે અનુસાર, 77% મોબાઈલ યુઝર્સ દરરોજ ઓછામાં ઓછા ત્રણ વખત આવા કોલ મેળવી રહ્યા છે. હોમ લોન, ક્રેડિટ કાર્ડ સહિતના નાણાકીય ક્ષેત્રમાંથી આવા કોલ આવી રહ્યા છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 6 મહિનામાં આવા કેસ અગાઉના 54% થી વધીને 66% થઈ ગયા છે.                


DND સુવિધા પણ કામ કરી રહી નથી


સ્માર્ટફોન અને ટેલિકોમ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ડુ નોટ ડિસ્ટર્બ ફીચર પણ હવે કામ કરતું નથી. લોકો સ્પેમ કોલ અને મેસેજથી ખૂબ જ પરેશાન છે. સાથે જ સ્કેમર્સ પણ લોકોને છેતરવા માટે અલગ-અલગ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.                             


TRAI આ અંગે કડક પગલાં લેવા જઈ રહી છે


તમને જણાવી દઈએ કે TRAIએ ટેલિકોમ કંપનીઓને પ્રમોશનલ મેસેજ બંધ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. તેની અંતિમ તારીખ 1 સપ્ટેમ્બર હતી. પરંતુ હવે તેની સમયમર્યાદા વધારીને 1 ઓક્ટોબર, 2024 કરવામાં આવી છે. ટ્રાઈ ટૂંક સમયમાં નકલી અને સ્પેમ કોલ પર અંકુશ લાવવા માંગે છે. ટ્રાઈએ કહ્યું હતું કે જો કોઈ એન્ટિટી સ્પેમ કોલ કરવા માટે તેની SIP/PRI લાઈનોનો દુરુપયોગ કરે છે, તો એન્ટિટીના તમામ ટેલિકોમ સંસાધનો તેના ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર (TSP) દ્વારા ડિસ્કનેક્ટ કરવામાં આવશે. એટલું જ નહીં, તે યુનિટને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે.