Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે જબરદસ્ત જોર પકડ્યુ છે, હજુ પણ આગામી દિવસોમાં આ જોર ઓછુ થવાના કોઇ સંકેત નથી મળી રહ્યાં છે. હાલમાં સામે આવેલી લેટેસ્ટ આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 6 દિવસ સુધી મેઘતાંડવ યથાવત રહેશે. ગુજરાતના ખેતી નિષ્ણાત અને આગાહીકાર પરેશ ગોસ્વામીએ વરસાદ માટે આગાહી કરી છે કે, આગામી 3થી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ ફરી કહેર વર્તાવશે. 


આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે, આજથી એટલે કે 3જી સપ્ટેમ્બરથી આગામી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ વરસાદ ગુજરાતના ઘણાં ભાગોને કવર કરી લેશે, એટલેકે રાજ્યના 60થી 65 ટકા વિસ્તારમાં વરસાદ વરસશે. આવું એટલા માટે બની રહ્યું છે કેમકે બંગાળની ખાડીના લૉ-પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે, પરંતુ તીવ્રતા ઓછી રહેશે. આગાહીકાર પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી પરથી આવેલું લૉ પ્રેશર મજબૂત છે અને બની શકે કે તે હજુ વધુ મજબૂત થઈને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે. આ વરસાદી સિસ્ટમ 3થી 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતને અસર કરશે.


પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે, 3થી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, દાહોદ, ગોધરા તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના રાપરમાં વરસાદની તીવ્રતા વધુ રહી છે. આ વિસ્તારોમાં વરસાદ જનજીવન અને કૃષિને નુકસાન પહોંચાડી શકે છે. 


રાજ્યના ડેમ કેટલા ઓવરફ્લો


સારા વરસાદને પગલે રાજ્યના 207 પૈકી 110 જળાશયો છલોછલ થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 94 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ  છલોછલ થયો છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 152 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર  છે.  90 ટકાથી વધુ ભરાયેલા 131 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા છ જળાશયો વોર્નિંગ પર છે.  


સિઝનમાં ક્યાં કેટલા ટકા વરસ્યો વરસાદ


છેલ્લા ચાર વર્ષની તુલનાએ આ વર્ષે ઓગસ્ટમાં  સૌથી વધુ 17.68 ઈંચ વરસાદ વરસ્યો છે.  ખેરગામ તાલુકામાં સિઝનનો સૌથી વધુ 128.68 ઈંચ વરસાદ વરસ્યો છે. તો છ તાલુકાઓમાં 100 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી વધુ કચ્છ જિલ્લામાં સિઝનનો 179.21 ટકા વરસાદ વરસ્યો, તો સૌરાષ્ટ્રમાં  સિઝનનો 125 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 105 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો વરસ્યો 88.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


આ પણ વાંચો


Gujarat Rain Update:ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસ્યો વરસાદ