Apple Pay: ટેક દિગ્ગજ એપલ હવે વધુ એક ક્ષેત્રમાં પોતાનો પગ પેસારો કરવાની તૈયારીમાં છે. પોતાના iPhone વડે દુનિયાભરમાં એક અલગ ઓળખ ઉભી કરનાર Apple કંપની હવે ટૂંક સમયમાં ભારતમાં પોતાની પેમેન્ટ સર્વિસ શરૂ કરવા જઇ રહી છે, એટલે કે iPhone યૂઝર્સને આ પછી પેમેન્ટ કરવા માટે અન્ય એપ્સની જરૂર નહીં પડે, તેઓ Appleની પેમેન્ટ સર્વિસ દ્વારા દરેક જગ્યાએ પેમેન્ટ કરી શકશે. Apple દક્ષિણ એશિયાના માર્કેટમાં પોતાની પેમેન્ટ સિસ્ટમ Apple Pay લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે કંપની ભારતીય સત્તાવાળાઓ સાથે સતત વાતચીત કરી રહી છે. હાલમાં એવા પણ સમાચાર છે કે Apple ટૂંક સમયમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પૉરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે વાટાઘાટો કરવાનું વિચારી રહી છે જેથી Apple Pay સમયસર શરૂ થઈ શકે.
Apple અત્યારે Walmart ના PhonePe, Googleના Gpay અને Paytm વચ્ચે એક વિશિષ્ટ સ્થાન બનાવવાનું લક્ષ્ય રાખે છે. ભારતીય લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે Apple સ્થાનિક રીતે Apple Pay ડિઝાઇન કરી રહ્યું છે જે UPI પર કામ કરશે. કંપની પોતાની પેમેન્ટ એપ લાવી રહી છે જેથી આઇફોન યૂઝર્સે પોતાના ફોનમાં અલગથી પેમેન્ટ એપ રાખવાની જરૂર ના પડે અને તેમનું કામ દરેક જગ્યાએ એક એપથી થઈ શકે.
આ ખાસ ફિચર એપલની એપમાં હશે ઉપલબ્ધ -
ભારતીય અધિકારીઓ સાથેની તાજેતરની વાતચીતમાં એપલે કહ્યું કે, તે પોતાની પેમેન્ટ એપમાં ફેસ-આઈડીને સપૉર્ટ કરશે, જેથી લોકોની ગોપનીયતા જળવાઈ રહે અને તેઓ સુરક્ષિત અને સિક્યૉર ટ્રાન્ઝેક્શન કરી શકે.
Apple Pay પર વર્ષોથી ચાલી રહ્યું છે કામ -
ઉલ્લેખનીય છે કે, Apple આજથી નહીં પરંતુ છેલ્લા 6 વર્ષથી પોતાની પેમેન્ટ સર્વિસ પર કામ કરી રહી છે. જો કે હજુ સુધી કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. પરંતુ ભારતીય અધિકારીઓ સાથેની તાજેતરની વાતચીતમાં એવું લાગે છે કે કંપની ભારતમાં Apple Pay લૉન્ચ કરવા માટે નવેસરથી શરૂઆત કરવા માંગે છે.