BSNL 5G service update: BSNL 5G સેવાની રાહ જોઇ રહેલા કરોડો ગ્રાહકો માટે ખુશીના સમાચાર છે. સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ટૂંક સમયમાં જ દેશભરમાં 5G સેવા શરૂ કરવા માટે સજ્જ થઈ રહી છે. કંપની દ્વારા 4G નેટવર્કને અપગ્રેડ કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે અને હવે 5G સેવા શરૂ કરવાના પ્રયાસો પણ તેજ કરવામાં આવ્યા છે.

સરકાર BSNL ની 5G સેવા શરૂ કરવા માટે ગંભીરતાથી કામ કરી રહી છે. હાલમાં, BSNLના 4G નેટવર્કને અપગ્રેડ કરવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ માટે, BSNL દ્વારા દેશભરમાં 1 લાખ નવા મોબાઈલ ટાવર સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાંથી 65,000 થી વધુ 4G મોબાઈલ ટાવર સફળતાપૂર્વક લગાવી દેવામાં આવ્યા છે. 4G નેટવર્ક અપગ્રેડેશન ની સાથે જ 5G સેવાને પણ શક્ય તેટલી ઝડપથી શરૂ કરવાના પ્રયાસો ચાલુ છે.

નવીનતમ અહેવાલો અનુસાર, સરકારી ટેલિકોમ કંપની 5G નેટવર્ક ગિયર માટેની હરાજી પ્રક્રિયામાં વિદેશી વિક્રેતાઓને પણ સામેલ કરી શકે છે. 5G નેટવર્ક ગિયર ખરીદવા માટે અંદાજે $2 બિલિયન ડોલરની બિડ કરવામાં આવશે. ET ટેલિકોમના સૂત્રોના જણાવ્યા મુજબ, આ અંગે અંતિમ નિર્ણય લેવાનો હજુ બાકી છે, પરંતુ આ નિર્ણય બાદ BSNLના નેટવર્ક અપગ્રેડેશનમાં નોંધપાત્ર ગતિ આવી શકે છે અને 5G સેવા ઝડપથી શરૂ થઈ શકે છે.

BSNL દ્વારા 4G સેવા માટે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કંપની 5G માટે પણ સ્વદેશી ટેક્નોલોજીને પ્રાધાન્ય આપી રહી છે. જો કે, 5G મોબાઇલ બ્રોડબેન્ડ સેવાને ઝડપથી રોલઆઉટ કરવા અને નેટવર્કને તાત્કાલિક અપગ્રેડ કરવા માટે સરકાર વિદેશી કંપનીઓ સાથે સહયોગ કરી શકે છે.

BSNL 4G સેવા માટેના ઉપકરણો સ્વદેશી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) દ્વારા સપ્લાય કરવામાં આવે છે. અહેવાલો સૂચવે છે કે સરકાર BSNL 5G ના ટેન્ડરના 50 ટકા વોલ્યુમ સ્વદેશી વિક્રેતાઓ માટે અનામત રાખી શકે છે, જ્યારે બાકીના 50 ટકા હિસ્સા માટે સ્થાનિક અને વિદેશી બંને વિક્રેતાઓ બિડ કરી શકશે. BSNL સમગ્ર ભારતમાં 5G સેવા શરૂ કરવા માટે 70,000 થી 1 લાખ નવા મોબાઈલ ટાવર સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. કંપની ભારતમાં SA એટલે કે સ્ટેન્ડ અલોન નેટવર્ક શરૂ કરવાની તૈયારી કરી રહી છે, જે 5G ટેક્નોલોજીનું અત્યાધુનિક સ્વરૂપ છે.

તાજેતરમાં યોજાયેલી ટેલિકોમ એડવાઇઝરી મીટીંગ બાદ નેટવર્ક ગિયર માટે વિદેશી કંપનીઓને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. હાલમાં TCS, તેજસ નેટવર્ક્સ અને C-DoT સાથે મળીને ભારતમાં 4G નેટવર્કને અપગ્રેડ કરવાનું કામ કરી રહી છે. જેમાં તેજસ નેટવર્ક્સ 4G સેવા માટે નેટવર્ક ગિયર સપ્લાય કરે છે, C-DoT કોર નેટવર્ક સોલ્યુશન આપે છે, અને TCS સિસ્ટમ ઇન્ટિગ્રેશનનું કાર્ય સંભાળે છે.

આ પણ વાંચો....

ડિજિટલ ઉપવાસ: 72 કલાક મોબાઈલ ન વાપરવાથી મગજ અનુભવશે સકારાત્મક પરિવર્તન, રિસર્ચમાં થયો ખુલાસો