PUBGના રીલોન્ચ પહેલા જ ભારતની દેશી ગેમિંગ એપ FAU-G ટૂંકમાં જ લોન્ચ થવાની છે. ગૂગલ પ્લે પર આ ગેમ લિસ્ટ થઈ ગઈ છે. હાલમાં આ ગેમ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે તૈયાર કરવામાં આવી રહી છે. આ જ કારણે ગેમનું પ્રી રજિસ્ટ્રેશન એપ ગૂગલ પ્લે સ્ટો પર છે. આઈઓએસ યૂઝર્સને આ ગેમ માટે થોડી રાહ જોવી પડશે.

આ રીતે કરો પ્રી-રજિસ્ટ્રેશન

ગેમ ડેવલપરે આપેલી લિંક પર ક્લિક કરીને ગૂગલ પ્લે સ્ટોર પર FAU-G એપના પેજ પર જાઓ. ત્યારબાદ 'પ્રી-રજિસ્ટર' બટન પર ક્લિક કરો.આ સાથે જ એક ડાયલોગ બોક્સ ખૂલશે, જે યુઝરને રજિસ્ટ્રેશન કન્ફર્મ કરવા કહેશે. આખરે 'OK' બટન પર ક્લિક કરવાથી પ્રી-રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ થશે. આ ડાયલોગ બોક્સ કહે છે કે આ ગેમ જ્યારે તમારી ડિવાઇસમાં ઇન્સ્ટોલ થવા માટે તૈયાર થઈ જશે, ત્યારે અમે તમને જાણ કરીશું.

મેડ ઇન ઇન્ડિયા છે ગેમ

FAU-Gનું પૂરું નામ Fearless and United Guards છે. FAU-G એક વોર ગેમ છે જેનું એક યુદ્ધક્ષેત્ર પણ હશે. જણાવીએ કે, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આ ગેમના બ્રાન્ડ એમ્બેસેડર છે. વિતેલા દિવસોમાં ભારત ચીન સરહદ વિવાદ બાદ જાણીતી ગેમ PUBGને ભારતમાં પ્રતિબંધ કરવામાં આવી હતી. FAU-Gને પબજીને ટક્કર આપવા માટે જ લોન્ચ કરવામાં આવી રહી છે.


અગાઉ ઓક્ટોબર મહિનામાં આ ગેમનું ટ્રેલર રિલીઝ કરાયું હતું, જેમાં તે નવેમ્બરમાં રિલીઝ થશે તેવી વાત કહેવામાં આવી હતી. તે ટ્રેલરમાં ભારત-ચીન બોર્ડર પર ચાઇનીઝ સૈનિકોને ધૂળ ચટાડતા ભારતીય સૈનિકોને દર્શાવવામાં આવ્યા હતા.

4 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયામાં આ ગેમની જાહેરાત કરતાં અક્ષય કુમારે લખ્યું હતું કે, આ ગેમમાંથી થનારી કમાણીનો 20 ટકા હિસ્સો ભારતના સૈનિકોના વેલફેર માટે કેન્દ્રિય ગૃહમંત્રાલય દ્વારા ચલાવવામાં આવતા ભારત કે વીર ટ્રસ્ટને ડોનેટ કરવામાં આવશે.