5G Launch : ભારતમાં 5G યુગની થઇ શરૂઆત, વડાપ્રધાન મોદીએ કહ્યુ- 2014માં 14GB ડેટાની કિંમત 4200 રૂપિયા હતી, આજે 150 રૂપિયામાં મળે છે
ભારતને થોડા સમયમાં એક નવી ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 5G સેવાઓ શરૂ કરશે
PM મોદીએ દેશમાં 5G સેવાની શરૂઆતના અવસર પર કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયાએ દરેક નાગરિકને સ્થાન આપ્યું છે. નાનામાં નાના શેરી વિક્રેતાઓ પણ UPIની સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશનમાં વિકાસ સાથે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. આ ભારતની શતાબ્દી હશે.
પીએમ મોદીએ કહ્યું કે પહેલા 1GB ડેટાની કિંમત લગભગ 300 રૂપિયા હતી, જે હવે ઘટીને 10 રૂપિયા પ્રતિ GB થઈ ગઈ છે. ભારતમાં એક વ્યક્તિ દર મહિને સરેરાશ 14GB વાપરે છે. 2014માં તેની કિંમત લગભગ 4200 રૂપિયા પ્રતિ માસ હતી, પરંતુ હવે તેની કિંમત 125-150 રૂપિયા છે. અમારી સરકારના પ્રયાસોને કારણે આ બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- 21મી સદીના વિકાસશીલ ભારતની ક્ષમતાને જોવાનો આજનો દિવસ ખાસ છે. ન્યુ ઈન્ડિયા માત્ર ટેક્નોલોજીનો ઉપભોક્તા બનીને રહેશે નહીં, પરંતુ તે ટેક્નોલોજીના વિકાસ અને અમલીકરણમાં ભારત સક્રિય ભૂમિકા ભજવશે. ભવિષ્યની વાયરલેસ ટેક્નોલોજીને ડિઝાઇન કરવામાં, તેનાથી સંબંધિત ઉત્પાદનમાં ભારતની મોટી ભૂમિકા હશે. 2G, 3G, 4Gના સમયે ભારત ટેક્નોલોજી માટે અન્ય દેશો પર નિર્ભર હતું. પરંતુ 5G સાથે ભારતે એક નવો ઈતિહાસ રચ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ (IMC) 2022માં દેશમાં 5G Services લોન્ચ કરી. તેમણે 1 ઓક્ટોબર, 2022ને 21મી સદીમાં ભારત માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. PM એ કહ્યું કે 5G ટેક્નોલોજી ટેલિકોમ સેક્ટરમાં ક્રાંતિ લાવશે.
આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે ટેલિકોમ ઉદ્યોગ 1.3 અબજ ભારતીયો અને હજારો સાહસોના ડિજિટલ સપનાઓને વધુ વેગ આપશે. આનાથી આગામી 3 વર્ષમાં એક ટ્રિલિયન ડૉલરના યોગદાન સાથે દેશને $5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવાનો મંચ તૈયાર થશે.
ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022માં જણાવ્યું હતું કે તે માર્ચ 2023 સુધીમાં દેશના તમામ મોટા શહેરોમાં અને ડિસેમ્બર 2024 સુધીમાં દેશભરમાં તેની 5G સેવા શરૂ કરશે. આજથી એરટેલની 5G સેવા દેશના 8 શહેરોમાં શરૂ થશે. સુનીલ ભારતી મિત્તલે કહ્યું કે આ એક મહત્વપૂર્ણ દિવસ છે. એક નવો યુગ શરૂ થવાનો છે. આ શરૂઆત આઝાદીના 75માં વર્ષમાં થઈ રહી છે અને દેશમાં એક નવી જાગૃતિ, ઉર્જાનો પ્રારંભ થશે. તેનાથી લોકો માટે ઘણી નવી તકો ખુલશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે અમે જે કરી બતાવ્યું છે તેના પર અમને ખૂબ ગર્વ છે. COAI (સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા) અને DoT (ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ) માટે હું કહી શકું છું કે અમે આગેવાની લેવા માટે તૈયાર છીએ અને ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ હવે એશિયન મોબાઈલ કોંગ્રેસ અને ગ્લોબલ મોબાઈલ કોંગ્રેસ બનવી જોઈએ.
મુકેશ અંબાણીએ કહ્યું કે, 5G કનેક્ટિવિટી માત્ર નેક્સ્ટ જનરેશનની ટેક્નોલોજી કરતાં ઘણી વધારે છે. મારા મતે આ મૂળભૂત ટેક્નોલોજી છે જે 21મી સદીની અન્ય ટેક્નોલોજી જેવી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, રોબોટિક્સ, બ્લોકચેન અને મેટાવર્સ જેવી સંપૂર્ણ ક્ષમતાને ખોલે છે.
ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 1લી ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનમાં શરૂ થઈ છે. આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પહોંચ્યા છે અને વિવિધ કંપનીઓને સ્ટોલ પરના સાધનોની માહિતી લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Jio, Airtel અને અન્ય કંપનીઓના સ્ટોલની મુલાકાત લીધી હતી અને નવી ટેકનોલોજીનો ડેમો પણ લીધો હતો.
બ્રેકગ્રાઉન્ડ
PM Narendra Modi WIll Launch 5G: ભારતને થોડા સમયમાં એક નવી ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 5G સેવાઓ શરૂ કરશે. ભારત માટે આ ખાસ ક્ષણ છે. ભારત ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશવા જઈ રહ્યું છે.
IMC ઇવેન્ટ શું છે
આ કોન્ફરન્સ વિવિધ પ્રેઝન્ટેશન્સ અને ડિજિટલ ટેક્નોલોજીના ઝડપથી અપનાવવા તેના પ્રસારથી ઉદ્ભવતી અનન્ય તકો અગ્રણી વિચારકો, ઉદ્યોગસાહસિકો, સંશોધકો અને સરકારી અધિકારીઓને સાથે લાવવા પર ચર્ચાઓ માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.
5G સાથે ભારત કેવી રીતે બદલાશે
ભારત પર 5Gની કુલ આર્થિક અસર 2035 સુધીમાં US$ 450 બિલિયન સુધી રહેવાનો અંદાજ છે. 4G ની તુલનામાં 5G નેટવર્ક (5G નેટવર્ક) અનેક ગણી ઝડપી ગતિ આપે છે અને અડચણ વિના કનેક્ટિવિટી પ્રદાન કરે છે. તે અબજો કનેક્ટેડ ઉપકરણોને વાસ્તવિક સમયમાં ડેટા શેર કરવા માટે પણ સક્ષમ કરે છે.
દેશની અત્યાર સુધીની સૌથી મોટી ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજીમાં 1.5 લાખ કરોડ રૂપિયાની વિક્રમી બિડ મળી હતી. આમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની Jio એ 87,946.93 કરોડ રૂપિયાની બિડ સાથે વેચાયેલા તમામ સ્પેક્ટ્રમમાંથી લગભગ અડધો ભાગ હસ્તગત કરી લીધો છે.
ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના જૂથે 400 MHz માટે 211.86 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જો કે, તેનો ઉપયોગ જાહેર ટેલિફોન સેવાઓ માટે થતો નથી. જ્યારે ટેલિકોમ દિગ્ગજ સુનીલ ભારતી મિત્તલની ભારતી એરટેલે રૂ. 43,039.63 કરોડની સફળ બિડ કરી હતી, જ્યારે વોડાફોન-આઇડિયાએ રૂ. 18,786.25 કરોડમાં સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -