નવી દિલ્હીઃ એપલ iPhone 5ના યુઝર્સ માટે જરૂરી ખબર છે. કંપનીએ આ યુઝર્સ માટે iPhone 5ને અપડેટ કરવા માટે કહ્યું છે. આવું ન કરવા પર તેમના iPhoneમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી નહીં મળે. આઈફોન 5ને કંપનીએ 2012માં લોન્ચ કર્યો હતો. 9ટુ5 મેકની રિપોર્ટ મુજબ એપલે પોતાના આઈફોન 5 યુઝર્સને ફુલ સ્ક્રીન મેસેજ મોકલ્યો છે. આ મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે યુઝર્સે પોતાના આઈફોનને 3 નવેમ્બર પહેલા IOS 10.3.4 વર્ઝનથી અપડેટ કરવાનો રહેશે.


એપલે આઇફોન 5 યુઝરને ચેતવણી આપી છે કે જો અપડેટ નહીં કરો તો તેમના ફોનમાં ઈન્ટરનેટ નહીં ચાલે. એનો સીધો મતલબ એવો છે કે જો આઇફોન 5ને 3 નવેમ્બર પહેલાં અપડેટ કરશો નહીં તો સફારી, ઇમેઇલ, આઇક્લાઉડ અને એપલ સ્ટોર સેવાઓ એક્સેસ કરી શકાશે નહીં.



IOS 10.3.4ની વાત કરીએ તો તેમાં તે GPS બગને ફિક્સ કરાયો છે જે આઈફોન 5ના ટાઈમ અને ડેટમાં ગરબડી કરી રહ્યો હતો. 3 નવેમ્બર સુધી આઈફોન 5 અપડેટ ન કરનારા યુઝર્સને બાદમાં તેને અપડેટ કરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ ગરબડીને તેમણે જાતે ઠીક કરવા માટે Mac અથવા PC પર ડેટાનો બેકઅપ લઈને તેને રીસ્ટોર કરવાનો રહેશે.

એપલની આ જીપીએસ રોલઓવર ઇશ્યૂના કારણે આઇફોન 4S અને જૂની આઈપેડ (રેટિના) અને આઈપેડ 2માં પણ મુશ્કેલી આવી હતી. આ બગ ડિવાઈઝમાં જીપીએસ ફંક્શનને બંધ કરવા માટે વપરાય છે, પરંતુ આઇફોન 5 સાથે આ બાબત થોડી ગંભીર છે. આ કારણોસર એપલે યુઝરને તાત્કાલિક અપડેટ કરવાની ચેતવણી આપી છે.