નવી દિલ્હીઃ ટેક્નોલોજીની દુનિયા માટે વિતેલા બે દિવસ ખૂબ જ તણાવયુક્ત રહ્યા. કારણ હતું કે એક બાજુ ગૂગલની સર્વિસ પર પડી તો ત્યાર બાદ તરત જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું. આવું પહેલી વખત થયું કે આટલા લાંબા સમય સુધી કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન થયું હતું. જોકે કારણ તો ખબર ન પડી પરંતુ કંપનીને ટ્વિટર પર આવીને સ્પષ્ટતા જરૂર કરવી પડી. જોકે સ્પષ્ટતા થઈ ત્યાં સુધીમાં તો યૂઝર્સ ટ્વિટર પર બન્ને કંપનીઓને ખૂબ ટ્રોલ કરી ચૂક્યા હતા.

પરંતુ કહે છે કે, જ્યારે એક કંપનીનું કંઈક નુકસાન થાય છે ત્યારે અન્ય કંપની માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કંઈક આવું જ પ્રાઈવેટ મેસેજિંગ પ્લેટફોર્મ ટેલીગ્રામ સાથે પણ થયું. વિતેલા 24 કલાકની અંદર ટેલીગ્રામે 30 લાખ નવા યૂઝર્સ જોડ્યા છે. આવું એટલા માટે થયું કારણ કે ફેસબુક 8 કલાક કરતાં વધારે સમય સુધી બંધ રહ્યું હતું જ્યાં એ સમય માટે લોકોને કોઈ બીજો વિકલ્પ જોઈતો હતો.



ટ્વિટર પર સતત યૂઝર્સે સ્ક્રીનશોટ શેર કર્યા, જેમાં મોટાભાગના યૂઝર્સની ફરિયાદ હતી કે તે લાઈક અને કોમેન્ટ નથી કરી શકતા. આ સમસ્યા ભારત સહિત અમેરિકા, યૂકે અને ફિલીપીન્સ સહિત વિશ્વના અનેક દેશમાં જોવા મળી હતી.

આ દરમિયાન ફેસબુક ડાઉન રહેવાનો સૌથી મોટો ફાયદો ટેલીગ્રામને થયો. ટેલીગ્રામના સ્થાપક અને સીઈઓ પાવેલ ટૂરોવે આ વાતની જાણકારી પર્સનલ ટેલિગ્રામ ચેનલ પર આપી છે. અહીં તેમણે લખ્યું છે કે, વિતેલા 24 કલાકમાં 30 લાખ નવા યૂઝર્સ ટેલિગ્રામ સાથે જોડાયા છે. જે લોકોને ખબર નથી ટેલિગ્રામ શું છે તેમને જણાવવાનું કે તે એક ફ્રી એનક્રિપ્ટેડ મેસેજિંગ સર્વિસ પ્લેટફોર્મ છે.