નવી દિલ્હીઃ ફેસબુક એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ અંગેના રિપોર્ટ અગાઉથી આવી રહ્યા છે. ફેસબુક એવા ફિચર પર કામ કરી રહ્યું છે જેનાથી યુઝર્સ પોતાના પોસ્ટ કે ફોટોના લાઇક કાઉન્ટને હાઇડ કરી શકે છે. લાઇક કાઉન્ટમાં તમામ પ્રકારના રિએક્શન પણ સામેલ હશે. સેટિંગ્સ બદલવા પર લાઇક્સ અથવા રિએક્શન ફક્ત એ યુઝરને દેખાશે જેમણે આ પોસ્ટ કે ફોટો ફેસબુક પર અપડેટ કરી છે. આ વર્ષે ઇન્સ્ટાગ્રામ માટે આ પ્રકારના ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતું. આ ફિચર કંપની પ્રાઇવેસીને મજબૂત કરવાના હેતુથી લાવી રહી છે. ટેક ક્રંચના એક રિપોર્ટ અનુસાર, ફેસબુક લાઇક કાઉન્ટ હાઇડ કરનાર આ ફિચર સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયામાં આપશે. તેને 27 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવશે. ફેસબુકના એક પ્રવક્તાને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની આ ફિચર માટે લોકો પાસેથી ફિડબેક પણ લેશે અને જેથી લોકોના અનુભવને સારો બનાવી શકાય. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિચરથી એ લોકોને પણ ફાયદો થશે જે ફેસબુક પર ઓછા લાઇક્સના કારણે પરેશાન રહે છે. રિચર્સ પરથી જાણવા મળ્યુ છે કે ફેસબુક પોસ્ટ પર ઓછા લાઇક્સના કારણે અનેક લોકો પોસ્ટ કરતા અચકાય છે અથવા તો પોસ્ટ ડિલિટ કરી દે છે. ફેસબુકનો ટાર્ગેટ એ લોકોને એક નવો અનુભવ આપવાનો છે. હાલમાં આ ફિચરની ટેસ્ટિંગ ચાલી રહી છે અને આ ફિચર તમામ યુઝર્સને ક્યારે મળશે તેને લઇને કંપનીએ હાલમાં  કાંઇ કહ્યું નથી.