Facebook New Feature Update: મેટા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અવારનવાર નવા અપડેટ્સ આપતું રહે છે. આ જ ક્રમમાં હવે ફેસબુકમાં પણ મેટા ટૂંક સમયમાં એક મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે, જે આવ્યા પછી યુઝર જેવી એપ ઓપન કરશે કે તરત જ તેને ફૂલ-સ્ક્રીન વિડીયો ફીડ (Full-Screen Video Feed) જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફીચર સીધી રીતે ટિકટોક (TikTok) ને ટક્કર આપશે.
એપ ખુલતાની સાથે જ મળશે નવો વિડીયો ઈન્ટરફેસ
મેટાના જણાવ્યા મુજબ, આ નવા ઈન્ટરફેસનો મુખ્ય હેતુ એવા લોકોને વધુ શ્રેષ્ઠ અનુભવ આપવાનો છે જેઓ ફેસબુક પર વધુ સમય વિડીયો જોવામાં વિતાવે છે. આવા યુઝર્સ માટે એપ ઓપન થતાં જ સીધી ઈમર્સિવ ફૂલ-સ્ક્રીન વિડીયો મોડમાં ખુલશે, જેથી કન્ટેન્ટ જોવાનો એક્સપિરિયન્સ પહેલા કરતાં વધુ આકર્ષક બની રહેશે. જોકે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ફીચર તમામ યુઝર્સ ઉપર જબરદસ્તીતી લાગુ કરવામાં નહીં આવે.
ફેસબુકમાં ફેરફાર કરવાનું શું છે મુખ્ય કારણ?
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં ફેસબુક પર યુઝર્સનું એક્ટિવિટી પ્રમાણ ઘટ્યું છે. હવે ખૂબ ઓછા યુઝર્સ અવારનવાર નવી પોસ્ટ શેર કરે છે, પ્રોફાઈલ અપડેટ કરે છે કે મિત્રો સાથે ચેટ કરે છે.
બીજી તરફ, શોર્ટ વિડીયો જોવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મેટાનું માનવું છે કે આજે મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર માત્ર કન્ટેન્ટ જોવા આવે છે, તેથી તેમને તેમની પસંદગી મુજબ વિડીયો બતાવવો એ વધુ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
જૂના ફેસબુક યુઝ કરવાનો પણ મળશે ઓપ્શન
ઉલ્લેખનીય છે કે ફેસબુકના જણાવ્યા મુજબ આ ફીચર હાલ ટેસ્ટિંગ ફેઝમાં છે અને યુઝર્સને ફેસબુકનું જૂનું વર્ઝન વાપરવાનો ઓપ્શન પણ આપવામાં આવશે. જો યુઝરને આ નવું ફીચર પસંદ નહીં આવે, તો તે સરળતાથી જૂના વર્ઝન પર સ્વિચ કરી શકશે. તેનાથી સ્પષ્ટ થાય છે કે મેટા હાલમાં યુઝર્સના રિસ્પોન્સને સમજ્યા બાદ જ આખરી નિર્ણય લેશે.
AI ની મદદ લેવામાં આવશે
ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીના જણાવ્યા અનુસાર, માત્ર ફ્રેન્ડ્સ અને ફોલો કરેલા એકાઉન્ટ્સની પોસ્ટ બતાવવાથી યુઝર્સને મર્યાદિત કન્ટેન્ટ જ મળે છે. પરંતુ જો AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને રિકમેન્ડેશન સિસ્ટમની મદદથી કરોડો નવી પોસ્ટ્સમાંથી યુઝરના રસ-રુચિ મુજબના વિડીયો પસંદ કરવામાં આવે તો તેમનો અનુભવ ઘણો ઉત્તમ બની શકે છે. આ જ કારણ છે કે મેટા હવે ફેસબુક પર પણ વિડીયો રિકમેન્ડેશનને વધુ મહત્વ આપી રહ્યું છે.
