Father's Day 2022: ભારતીય ઘરોમાં પિતાની છબી એવી માનવામાં આવે છે કે પિતા હંમેશા કડક હોય છે, ઠપકો આપે છે. આ જ કારણ છે કે મોટા ભાગના બાળકો, પછી તે છોકરો હોય કે છોકરી, પોતાની દરેક વાત માતા સાથે શેર કરે છે, પરંતુ પિતાને કહી શકતા નથી અથવા ડરતા હોય છે. જો કે, એવું નથી કે પિતા બાળકોને પ્રેમ કરતા નથી.
જ્યારે બાળકો ધીરે ધીરે મોટા થાય છે અને તેઓ જવાબદારીઓ સમજવા લાગે છે, ત્યારે તેમને ખ્યાલ આવે છે કે પિતા શું છે અને પિતાની ભૂમિકા શું છે. પિતાના પ્રેમ અને બલિદાનને માન આપવા માટે વિશ્વના તમામ દેશોમાં ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. ગયા વર્ષની જેમ સર્ચ એન્જિન ગૂગલે આજે 19 જૂન, 2022 ના રોજ ફાધર્સ ડે નિમિત્તે એક ખાસ ડૂડલ બનાવ્યું છે.
ફાધર્સ ડે પર ગૂગલના ડૂડલમાં નાના-મોટા હાથ દેખાય છે. પિતાને સમર્પિત ફાધર્સ ડેના ડૂડલમાં બાળક કેવી રીતે પિતાની છબી બની જાય છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ચાલો જાણીએ કે ફાધર્સ ડેની ઉજવણી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ.
ફાધર્સ ડેનો ઇતિહાસ
ફાધર્સ ડેની ઉજવણી 1910માં શરૂ થઈ હતી. એવું માનવામાં આવે છે કે ફાધર્સ ડેની શરૂઆત વોશિંગ્ટનના સ્પોકેન શહેરમાં રહેતી છોકરી સોનોરા ડોડ દ્વારા કરવામાં આવી હતી. સોનોરાની માતાના મૃત્યુ પછી તેના પિતાએ એકલાએ તેનો ઉછેર કર્યો. પિતાએ પુત્રીને માતા જેવો પ્રેમ આપ્યો અને પિતાની જેમ તેનું રક્ષણ કર્યું. સોનોરાના પિતાએ તેને ક્યારેય તેની માતાની ગેરહાજરી અનુભવવા ન દીધી. સોનોરાએ વિચાર્યું કે જ્યારે માતાના માતૃત્વને સમર્પિત મધર્સ ડે ઉજવી શકાય છે ત્યારે પિતાના પ્રેમ અને સ્નેહના સન્માનમાં ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ.
ફાધર્સ ડે ક્યારે શરૂ થયો?
સોનોરાના પિતાનો જન્મદિવસ જૂનમાં હતો. તેથી જ તેણે જૂનમાં ફાધર્સ ડે ઉજવવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. જેનો સ્વીકાર કરવામાં આવ્યો અને 19 જૂન 1910ના રોજ પ્રથમ વખત ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી. આ પછી વર્ષ 1916માં અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને પણ ફાધર્સ ડે મનાવવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. 1924 માં રાષ્ટ્રપતિ કૈલ્વિન કૂલિજે ફાધર્સ ડેને રાષ્ટ્રીય આયોજન જાહેર કર્યું હતુ. બાદમા 1966 માં રાષ્ટ્રપતિ લિન્ડન જોન્સને જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવાની જાહેરાત કરી હતી.