નવી દિલ્હીઃ દેશમાં આર્થિક મંદીને કારણે અનેક ઉદ્યોગમાં માઠી દશા બેઠી છે, પરંતુ શાઓમી ઇન્ડિયાએ બુધવારે કહ્યું કે, સ્માર્ટફોનના વેચાણને કોઈ અસર નહીં થાય, કારણ કે તહેવારની સીઝન નજીક આવી રહી છે. ઇન્ટરનેસનલ ડેટા કોર્પોરેશન અનુસાર, ભારતીય સ્માર્ટફન બજારમાં 2019ના બીજા ક્વાર્ટરમાં અત્યાર સુધી સૌથી વધારે વેચાણ નોંધાયું છે, જે કુલ 3.69 કરોડ સ્માર્ટફોન્સનું રહ્યું છે. આ વાર્ષિક ધોરણે 9.9 ટકા અને ક્વાટર્લી ધોરણે 14.8 ટકાનો વધારો બતાવે છે.


શાઓમી ઇન્ડિયાના કેટેગરીઝ અને ઓનલાઈન વેચાણના પ્રમુખ રઘુ રેડ્ડીએ જણાવ્યું કે, અમે વ્યાપક મંદીના સમાચાર સતત સાંભળી રહ્યા છીએ. પણ અમારો દૃષ્ટિકોણ એ છે કે બજાર કઈ દિશામાં જઈ રહ્યું છે, તે સમજવા માટે અમે થર્ડ પાર્ટી એજન્સીઓ પર વિશ્વાસ નથી કરતા.

તેમણે કહ્યું કે, અમે વર્ષના પ્રથમ છ મહિનામાં સ્માર્ટફોન બજારને 8-9 ટકાના દરે આગળ વધતું જોયું છે અને આ આંકડાના આધારે અમને આશા છે કે આગળ પણ વૃદ્ધિ જોવા મળશે. ખાસ કરીને તહેવારની સીઝનમાં વેચાણમાં ઉછાળો જોવા મળશે.

રેડ્ડીએ કહ્યું કે, લોકો સ્માર્ટફોન વગર નહીં રહી શકે. જો પોતાનો હાલનો સ્માર્ટફોન ખરાબ થઈ જાય તો લોકો નવા સ્માર્ટફન ખરીદ્યા વગર નહીં રહી શકે. મારુ માનવું છે કે, મંદીથી પ્રભાવિત થનાર આ છેલ્લું ક્ષેત્ર હશે. રેડ્ડીએ કહ્યું કે, માત્ર સ્માર્ટફોન જ નહીં, પરંતુ શાઓમીના ટીવીના વેચાણમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.