How to Use Gmail Undo Feature: આજના સમયમાં ઈમેલ આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. ઓફિસનું કામ હોય કે અંગત વાતચીત, દરેક જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. પરંતુ ઘણીવાર ઉતાવળમાં આપણે કોઈ ખોટી વ્યક્તિને ઈમેલ મોકલી દઈએ છીએ, જરૂરી ફાઈલ એટેચ કરવાનું ભૂલી જઈએ છીએ અથવા અધૂરો મેસેજ જ મોકલી બેસીએ છીએ. આવી ભૂલ પછી અવારનવાર પસ્તાવો થાય છે, પરંતુ રાહતની વાત એ છે કે Gmail માં એક એવું ફીચર છે જે તમારી આ ભૂલને તરત જ સુધારવાની તક આપે છે.

Undo Send ફીચર કેવી રીતે કામ કરે છે?

Gmail નું Undo Send ફીચર એક પ્રકારનું સુરક્ષા કવચ છે, જે ઈમેલ મોકલ્યા પછી તમને થોડા સમય માટે તેને રોકવાનો વિકલ્પ આપે છે. જ્યારે તમે 'Send' પર ક્લિક કરો છો, ત્યારે ઈમેલ તરત જ સામેની વ્યક્તિ સુધી પહોંચતો નથી, પરંતુ થોડી સેકન્ડ માટે રોકાયેલો રહે છે. આ દરમિયાન તમારી સ્ક્રીન પર 'Undo' નો વિકલ્પ દેખાય છે. જો તમે તરત જ તે Undo પર ક્લિક કરો છો, તો ઈમેલ મોકલવાની પ્રક્રિયા અટકી જાય છે અને તે પાછો ડ્રાફ્ટમાં ખુલી જાય છે. ત્યાંથી તમે તમારી ભૂલ સુધારી શકો છો, પછી ભલે તે લખાણ હોય, એટેચમેન્ટ હોય કે રિસિવરનું નામ.

Continues below advertisement
Continues below advertisement

સમય વધારીને મેળવો વધુ કંટ્રોલ

ડિફોલ્ટ રૂપે Gmail આ ફીચર માટે ખૂબ ઓછો સમય આપે છે, જે ઘણીવાર પૂરતો હોતો નથી. પરંતુ સારી વાત એ છે કે તમે સેટિંગ્સમાં જઈને આ સમય વધારી શકો છો. Gmail ના સેટિંગ્સમાં 'Undo Send' નો વિકલ્પ મળે છે જ્યાં તમે તમારી જરૂરિયાત મુજબ સમય પસંદ કરી શકો છો. જો તમે વધુ સુરક્ષા ઈચ્છો છો, તો મહત્તમ સમય (Maximum time) પસંદ કરવો વધુ સારું છે જેથી ભૂલ સુધારવા માટે તમને પૂરતી તક મળી શકે.

મોબાઈલ પર પણ મળે છે આ ફાયદો

આ ફીચર ફક્ત કોમ્પ્યુટર પૂરતું મર્યાદિત નથી, પરંતુ સ્માર્ટફોન પર પણ એટલી જ સરળતાથી કામ કરે છે. જ્યારે તમે ફોન પરથી ઈમેલ મોકલો છો, ત્યારે સ્ક્રીનની નીચે એક નાનો મેસેજ દેખાય છે જેમાં 'Sent' ની સાથે 'Undo' નો વિકલ્પ હોય છે. જો તે જ સમયે તમને તમારી ભૂલનો અહેસાસ થાય, તો તમે તરત જ Undo દબાવીને ઈમેલને રોકી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ વિકલ્પ માત્ર થોડી સેકન્ડો માટે જ દેખાય છે, ત્યારબાદ ઈમેલ સંપૂર્ણપણે મોકલી દેવામાં આવે છે.

નાની ટ્રિકથી મોટો ફાયદો

આ ફીચર એવા લોકો માટે ખૂબ જ કામનું છે જેઓ દરરોજ ઈમેલનો ઉપયોગ કરે છે. એક નાની ભૂલ પણ મોટી પરેશાની બની શકે છે, પરંતુ 'Undo Send' જેવી સુવિધા તમારી ભૂલોને તરત જ સુધારવામાં મદદ કરે છે અને તમને બીજી તક આપે છે.