Instagram Reels: આ આજ કાલ રિલ્સ જોવાનું ચલણ ખુબ વધ્યું છે. લોકો પોતાના મોબાઈલમાં કલાકો સુધી રિલ્સ જોવા રહે છે. પરંતુ હવે ઈન્સ્ટાગ્રામ તમારા અનુભવને બમણો કરવા જઈ રહ્યું છે. જો તેમ મોબાઈલ સ્ક્રીન પર આંગળી સ્ક્રોલ કરી કરીને થાડી ગયા હોય તો આ ન્યૂઝ તમારા માટે છે. તમે ટૂંક સમયમાં તમારા ઘરના સ્માર્ટ ટીવી પર રીલ્સ જોઈ શકશો. ઇન્સ્ટાગ્રામ એક ટીવી એપ લોન્ચ કરવાનું વિચારી રહ્યું છે. આનાથી લોકો મોટી સ્ક્રીન પર રીલ્સ અને અન્ય વીડિયો જોઈ શકશે. આ યુટ્યુબ માટે એક મોટો પડકાર ઉભો કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ હેડ એડમ મોસ્સેરીએ જણાવ્યું હતું કે કંપની હાલમાં આ અંગે વિચાર કરી રહી છે, પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ સત્તાવાર પ્રગતિ થઈ નથી.
ઇન્સ્ટાગ્રામ હેડે ટીવી એપ વિશે આ વાત કહી
મોસ્સેરીએ કહ્યું કે જો લોકો ટીવી પર કન્ટેન્ટ જોઈ રહ્યા છે, તો આપણે પણ ટીવી પર જવું પડશે. ઇન્સ્ટાગ્રામ ઇચ્છે છે કે તેની કન્ટેન્ટ દરેક ડિવાઇસ પર સારી દેખાય. તેમણે ઉમેર્યું કે લાઇવ સ્પોર્ટ્સ અને એક્સક્લુઝિવ શો એપ પર ઉપલબ્ધ રહેશે નહીં. મોસ્સેરીએ એ પણ સ્વીકાર્યું કે ઇન્સ્ટાગ્રામે વર્ષો પહેલા ટીવી એપ લોન્ચ કરવી જોઈતી હતી.
ભારત એક મહત્વપૂર્ણ બજાર છે - મોસ્સેરી
મોસ્સેરીએ ભારત અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે ભારત ઇન્સ્ટાગ્રામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ બજાર છે, ખાસ કરીને ટિકટોક પર પ્રતિબંધ પછી. નોંધનીય છે કે 2020 માં ચીન સાથેના સરહદી વિવાદ બાદ, ભારત સરકારે ટિકટોક સહિત અનેક ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી, ટૂંકા વિડીયોની વાત આવે ત્યારે ઇન્સ્ટાગ્રામ ભારતમાં કોઈની સાથે સ્પર્ધા કરી શક્યું નથી.
ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફેરફારો થઈ રહ્યા છે
છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્સ્ટાગ્રામમાં નોંધપાત્ર ફેરફારો થયા છે, અને તે હવે ફક્ત ફોટા પૂરતું મર્યાદિત નથી. ખાનગી મેસેજ, સ્ટોરી અને રીલ્સ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. મેટાની માલિકીની ઇન્સ્ટાગ્રામે માસિક વપરાશકર્તાઓની સંખ્યા 3 અબજને વટાવી દીધી છે અને હવે વૈશ્વિક બજારમાં ટિકટોક સાથે સ્પર્ધા કરવા માટે ટૂંકા વિડીયો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.