મોદી સરકારની PUBG ગેઈમ પર પણ પ્રતિબંધની વિચારણાના પગલે કરોડો નિરાશ, જાણો કેવા મીમ્સ થયા ફરતા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Jul 2020 11:58 AM (IST)
પબજી એક જાણીતી એક્શન ગેમ છે. જેને દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ કંપની બ્લૂહોલની સબ્સિડિયરી કંપની ટેસેંટ ગેમ્સએ બનાવી છે.
નવી દિલ્હીઃ ભારત સરકારે ગઈકાલે ચીનની વધુ 47 એપ પર પ્રતિબંધ મૂકીને ડિજિટલ સ્ટ્રાઇક કરી હતી. યુવાનોમાં લોકપ્રિય પબજી ગેઈમ પણ સરકારની રડારમાં હોવાનું સામે આવ્યું છે. જે બાદ સોશિયલ મીડિયા પર હેશટેગ પબજીબેન ટ્રેન્ડ થઈ રહ્યું છે. જેની સાથે લોકો અવનવા મીમ્સ પર શેર કરી રહ્યા છે. પબજી એક જાણીતી એક્શન ગેમ છે. જેને દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ કંપની બ્લૂહોલની સબ્સિડિયરી કંપની ટેસેંટ ગેમ્સએ બનાવી છે. આ ગેમ 2000માં આવેલી જાપાની ફિલ્મ બેટલ રોયલથી પ્રેરિત છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે, પબ-જી ગેમ એપ ચાઈનીઝ છે પણ વાસ્તવમાં આ ગેમ દક્ષિણ કોરીયાની છે તેથી મોદી સરકારે તેના પર પ્રતિબંધ નથી મૂક્યો. ભારતમાં પબજી મોબાઈલ ગેમના કરોડો ચાહકો છે. લોકડાઉન દરમિયાન આ ગેમના યૂઝર્સમાં ઘણો વધારો થયા હતો. ગૂગલ પ્લે સ્ટોર પર આ ગેમ ટોપ-5માં રહી છે. એક રિપોર્ટ પ્રમાણે 2020ના પ્રથમ ત્રિમાસિકમાં પબજી મોબાઈલને 60 કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી. મે મહિનામાં પબજી મોબાઈલ 226 મિલિયન યુએસ ડોલર (આશરે 1.7 હજાર કરોડ રૂપિયા) રેવન્યૂ સાથે વિશ્વની સૌથી વધારે નફો કરતી મોબાઇલ ગેમ બની હતી. સરકાર હાલ એવી એપ્લીકેશન પર નજર રાખી રહી છે, જે અન્ય દેશની હોય અને લોકોની ગુપ્ત માહિતીનો ઉપયોગ કરતી હોય. સરકાર એપ્લિકેશનો માટે ચોક્કસ કોડ પર કામ રહી છે. વિવિધ એજન્સીઓ અને મંત્રાલય દ્વારા મોબાઇલ એપ્લિકેશન માટે ચોક્કસ નિયમો અને ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં એપ્લિકેશનના ઉપયોગથી લઈ તેના ઓપરેટ સહિતના નિયમો ઘડવામાં આવશે. જે એપ્લિકેશનો નિયમોનો ભંગ કરશે તેમના પર પ્રતિબંદ મૂકવામાં આવશે. સાયબર સિક્યોરિટી અને લોકોની ગુપ્ત માહિતી અંગત રાખવા માટે આ પગલા લેવા જરૂરી હોવાનું સરકાર કહી રહી છે.