Supreme Court: કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા ગૂગલ પર 1,338 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગૂગલ હવે આ અંગે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. આ મામલે 16 જાન્યુઆરીએ સુનાવણી થશે. ગૂગલે કહ્યું કે કમિશનનો આદેશ 19 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી રહ્યો છે. આ સૂચનાઓને અનુસરવાથી છેલ્લા 15 વર્ષમાં એન્ડ્રોઇડનો વિકાસ અટકી જશે.
નોંધનીય છે કે ઓક્ટોબર 2022માં CCIએ Google પર 1,337.76 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેને કંપનીએ NCLATમાં પણ પડકાર્યો હતો. CCIએ ગૂગલ પર આ દંડ બજારમાં પોતાની વર્ચસ્વનો દુરુપયોગ કરવા બદલ લગાવ્યો છે. ગૂગલનું કહેવું છે કે આ ઓર્ડરથી ભારતના મોબાઈલ યુઝર્સને મોટો ફટકો પડશે. ભારતમાં એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસ ખૂબ મોંઘા થઈ જશે.
શું છે CCIનો આદેશ?
CCIએ કહ્યું કે ગૂગલે ભારત સહિત વિશ્વભરના બજારોમાં એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ ઇકોસિસ્ટમમાં તેના વર્ચસ્વનો દુરુપયોગ કર્યો છે. CCIએ તેને તંદુરસ્ત સ્પર્ધાની વિરુદ્ધ ગણાવ્યું છે. સીસીઆઈએ એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસના કિસ્સામાં ગુગલને વિરોધી સ્પર્ધાત્મક પ્રથાઓ માટે દોષિત ગણાવીને રૂ. 1,337.76 કરોડનો દંડ ફટકાર્યો હતો.
NCLAT એ પણ મોટો ઝટકો આપ્યો
નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ પણ ગૂગલને મોટો ઝટકો આપ્યો છે. NCLAT એ પ્લે સ્ટોર નીતિઓના સંદર્ભમાં તેના વર્ચસ્વનો દુરુપયોગ કરવા બદલ Google પર કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (CCI) દ્વારા લાદવામાં આવેલા દંડ પર વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. ગયા અઠવાડિયે જ NCLAT એ Googleને CCI દ્વારા લાદવામાં આવેલા રૂ. 1,337.76 કરોડના દંડના 10 ટકા રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.