નવી દિલ્હીઃ ટૂંક સમયમાં આમ આદમીના મોબાઇલ કોલ અને ઇન્ટરનેટના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે ટેલિકોમ સેક્ટર ખોટમાં હોવાના કારણે કોલ અને ઈન્ટરનેટ ઉપરાંત તમામ દરને વખત વધારવામાં આવી શકે છે. હાલનું વર્તમાન માળખું ઓપરેટર્સને યોગ્ય વળતર આપતું નથી. કોરોના મહામારી અને આર્થિક મંદીના કારણે ટેરિફમાં ક્યારે વધારો થશે તે નક્કી નથી. અર્નેસ્ટ એન્ડ યંગ (E&Y) દ્વારા આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ઈએન્ડવાયના પ્રશાંત સિંઘલે કહ્યું, દરોમાં તાત્કાલિક વૃદ્ધિ હાલ યોગ્ય નથી લાગી રહી. આગામી 12 થી 18 મહિનામાં બે તબક્કામાં કરવામાં આવી શકે છે અને પ્રથમ વધારો આગામી છ મહિનામાં થઈ શકે છે. દરમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે.

તેમણે કહ્યું કે, કંપનીઓની આર્થિક સ્થિતિ તથા પોસાય તેવા ભાવો અંગે પણ વિચારવું પડશે, પરંતુ બજારમાં ટકી રહેવા માટે 12 થી 18 મહિનામાં બે વખત દર વધારવામાં આવી શકે છે. પ્રથમ વધારો આગામી છ મહિનામાં પણ થઈ શકે છે. આ ભાવ વધારો નિયમનકારી સંસ્થાની દરમિયાનગીરી મારફત આવી શકે છે અથવા ઈન્ડસ્ટ્રીનાં પગલાંઓથી થઈ શકે છે. વર્તમાન સંજોગોને જોતાં ટેલિકોમ કંપનીઓ માટે દરમાં વધારો જરૂરી બની ગયો છે.

પ્રશાંતે જણાવ્યું, કોણ કેટલો વધારો કરે છે તે જોવું પડશે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ટેલિકોમ કંપનીઓની નાણાકીય સ્થિતિને જોતાં વધારો અનિવાર્ય બની ગયો છે.

ટેલિકોમ કંપનીઓ ગત વર્ષે ડિસેમ્બરમાં કૉલ, ઈન્ટરનેટ વગેરે સેવાઓના દર વધારી ચુકી છે.