ટ્રાઈએ પ્રસ્તાવમાં કહ્યું હતું કે બધા નવા નંબરમાં આગળ ૯ ઉમેરવાથી મોબાઈલ નંબરની કુલ ક્ષમતા ૧૦૦૦ કરોડની થઈ જશે. અત્યારે ૧૦ આંકડાના નંબરથી દેશમાં કુલ ૭૦૦ કરોડ સીમકાર્ડ વેંચાય તેટલી ક્ષમતા છે. એ ક્ષમતાની લિમિટ આવી જાય તે પહેલાં ૧૧ આંકડાનો નંબર કરવાની ભલામણ ટ્રાઈએ કરી છે.
૧૦ આંકડાના નંબર્સને ૧૧ આંકડાંમાં બદલી નાખવાથી અસંખ્ય નવા નંબર્સ અવેલેબલ થઈ જશે. અત્યારે લગભગ ૭૦ ટકા સુધીના નંબર્સ ફાળવી દેવાયા છે. અત્યારની ૧૦ આંકડાની પોલિસી પ્રમાણે ૭૦૦થી વધારે કનેક્શન શક્ય બનશે નહીં.
આ સિવાય ટ્રાઇએ ફિક્સ્ડ લાઈનથી કોલ કરતી વખતે મોબાઇલ નંબરની આગળ '0' મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યારે નંબરની શરૂઆતમાં શૂન્ય ઉમેર્યા વિના પણ લેન્ડલાઇનથી મોબાઇલ નંબરો પર કોલ કરી શકાય છે. ટ્રાઇએ જણાવ્યું હતું કે ફિક્સ નેટવર્કમાંથી મોબાઇલ પર કોલ કરવા માટે શૂન્ય લગાવવો ફરજિયાત કરવાથી લેવલ 2, 3, 4 અને 6 ના તમામ ફ્રી સબ-લેવલને મોબાઇલ નંબર તરીકે ઉપયોગ કરી શકાય છે.
આ સિવાય ટ્રાઈએ નવી નેશનલ નંબરિંગ યોજના પણ સૂચવી છે, જે શક્ય તેટલી વહેલી તકે ઉપલબ્ધ કરાવવાની છે. આ ઉપરાંત, ટ્રાઇએ ડોંગલ્સ માટે વપરાયેલા મોબાઈલ નંબરને 10 અંકોથી વધારીને 13 અંક કરવાની પણ વાત કરી છે.