Twitter Relaunches Blue Tick Service: માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર ફરી એકવાર તેનું બ્લૂ પેઇડ સબસ્ક્રિપ્શન શરૂ કરવા જઈ રહ્યું છે. ટ્વિટર એક મહિના બાદ આ પ્રીમિયમ સેવા શરૂ કરી રહ્યું છે. શનિવારે આ બાબતે માહિતી આપતાં કંપનીએ કહ્યું હતું કે તે સોમવાર એટલે કે 12 ડિસેમ્બર, 2022થી તેની પ્રીમિયમ 'બ્લૂ પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસ'ને ફરીથી લૉન્ચ કરવા જઈ રહી છે.


ઑક્ટોબર મહિનામાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. આ ડીલ બાદ મસ્કે જાહેરાત કરી હતી કે તે સામાન્ય લોકોને પણ બ્લૂ ટિક આપશે. આ સાથે જે લોકોના એકાઉન્ટ વેરિફાઈડ છે તેમણે પણ દર મહિને એક નિશ્ચિત ફી ચૂકવવી પડશે.


'બ્લૂ ટિક સબસ્ક્રિપ્શન' માટે કેટલો ચાર્જ લેવામાં આવશે


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે લોકો સામાન્ય ફોનમાં ટ્વિટરની બ્લૂ ટિક સબસ્ક્રિપ્શન સેવા લે છે તેમને દર મહિને 8 ડોલરની ફી ચૂકવવા પડશે. આઇફોન વપરાશકર્તાઓને આ માટે દર મહિને  11 ડોલર ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં iPhone યુઝર્સને બ્લૂ ટિક સર્વિસ માટે વધુ પૈસા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે પહેલા ટ્વિટર કંપનીઓ, રાજનેતાઓ, સેલિબ્રિટીઓ, પત્રકારો સહિતની સેલિબ્રિટીઓને કોઈપણ ચાર્જ વગર બ્લૂ ટિક આપતું હતું પરંતુ મસ્કના ટેકઓવર પછી ટ્વિટરે બ્લૂ ટિકને પેઈડ સર્વિસમાં ફેરવી દીધું છે. હવે કોઈપણ વ્યક્તિ ફી ચૂકવીને ટ્વિટર પર બ્લૂ ટિક પણ લઈ શકે છે.


આ પહેલા પણ કંપનીએ બ્લૂ પેઈડ સર્વિસ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના કારણે ઘણા લોકોએ ફી ચૂકવીને ટ્વિટર પર ફેક એકાઉન્ટ વેરિફાઈ કરાવ્યા હતા. જેના કારણે ટ્વિટર પર ફેક એકાઉન્ટની સંખ્યા ઝડપથી વધી હતી. આ પછી ઘણો વિવાદ થયો હતો. વિશ્વની અગ્રણી ફાર્મસી કંપની Eli Lillyના નામે નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જે પછી માત્ર 8 ડોલર ચૂકવીને તેને વેરિફાઇડ કરવામાં આવ્યું હતું. આ પછી આ ફેક એકાઉન્ટે ટ્વીટ કર્યું, 'ઇન્સ્યુલિન હવે ફ્રી છે'. આ ટ્વીટ ફેક એકાઉન્ટથી કરવામાં આવ્યું હતું. આ પછી કેટલાક રોકાણકારોએ આ જોયું અને તેને સાચું માની લીધું હતું.


આ પછી 1 દિવસમાં કંપનીના શેરમાં 4.37 ટકાનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં કંપનીને લગભગ 1.20 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ પછી કંપનીએ તેના સત્તાવાર હેન્ડલ દ્વારા આ મામલે સ્પષ્ટતા આપી હતી. આ પછી ટ્વિટરની ટીકા શરૂ થઈ અને કંપનીએ તાત્કાલિક અસરથી આ સેવા બંધ કરવી પડી હતી.