લોકપ્રિય માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરની માલિકી એલન મસ્ક પાસે આવી ગઇ છે. આવનારા સમયમાં તેમાં ઘણા બદલાવ જોવા મળી શકે છે. કંપનીએ થોડા સમય પહેલા તેમાં એડિટ બટન ઉમેર્યું હતું. હવે એવું લાગે છે કે ટ્વિટરનું આ ફીચર ભારતીય યુઝર્સ માટે પણ લોન્ચ કરી દેવામાં આવ્યુ છે.






PayTMના સ્થાપક વિજય શેખર શર્માએ ટ્વિટ કરીને ટ્વિટરના એડિટ બટન વિશે જણાવ્યું હતું. વિજય શેખરના મતે તેમને એડિટ બટનનો વિકલ્પ મળી રહ્યો છે. તેમણે આ અંગેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.






તેમણે એક ટ્વીટ કર્યું હતું, જે બાદમાં એડિટ કરવામાં આવ્યું હતું. એડિટેડ ટ્વીટમાં લખ્યું છે કે આ એડિટેડ ટ્વીટ છે. કંપનીએ એવી માહિતી પણ આપી છે કે તેને છેલ્લે 28 ઓક્ટોબરે રાત્રે 10.53 વાગ્યે એડિટ કરવામાં આવ્યું હતું.


તેમણે આ ટ્વીટની નીચે સ્ક્રીનશોટ શેર કરીને આ ફીચર વિશે જણાવ્યું હતુ. એટલે કે ટ્વિટ કર્યા પછી પણ તેને એડિટ કરવાનો વિકલ્પ મળી રહ્યો છે. આ ફેસબુકની એડિટ પોસ્ટ જેવું જ છે. આ સુવિધા અત્યારે બધા યુઝર્સ માટે ઉપલબ્ધ નથી.


એક રિપોર્ટ અનુસાર, આ ફીચર Twitter iPhone યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં આ ટેસ્ટિંગ ફીચરમાં હોઇ શકે છે.  ઉલ્લેખનીય છે કે કંપનીએ આ મહિનાની શરૂઆતમાં યુએસ અને અન્ય દેશોના પસંદ કરેલા યુઝર્સ સાથે આ ફીચર શરૂ કર્યું હતું.


હવે આ સુવિધા ભારતમાં પણ પસંદગીના યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. આમાં એક સારી વાત એ છે કે ટ્વિટ એડિટ વિશે આપવામાં આવેલી માહિતી પર ક્લિક કરીને જૂની ટ્વિટ જોઈ શકાય છે. જો આ સુવિધા ભારતમાં શરૂ થઈ રહી છે, તો એલન મસ્કની જવાબદારી સંભાળતા જ ભારતીય યુઝર્સ માટે આ સારા સમાચાર છે.


મફત નહી હોય આ ફીચર


આ ફીચર વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે મફતમાં નથી. એટલે કે તેના યુઝર્સને પૈસા ચૂકવવા પડી શકે છે. યુઝર્સે આ માટે ટ્વિટર બ્લુને સબ્સ્ક્રાઇબ કરવું પડશે, જેની કિંમત યુએસમાં દર મહિને $4.99 (લગભગ રૂ. 400) છે. ભારતમાં તેના સબ્સ્ક્રિપ્શન માટે દર મહિને 250 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.