ટેસ્લા કંપનીના સ્થાપક એલન મસ્કે ટ્વિટર ડિલ કેન્સલ થયાની જાહેરાત કરી છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે 25 એપ્રિલના રોજ ટ્વિટરને $54.20 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી, જો કે પાછળથી $44 બિલિયનમાં ડિલ ફાઇનલ કરવામાં આવી હતી. આ ડીલમાંથી ખસી ગયા બાદ ટ્વિટર હવે એલન મસ્ક પર કેસ કરવાની તૈયારી કરી રહ્યું છે.
મસ્કે કહ્યું હતું કે ટ્વિટરે કરારની ઘણી જોગવાઈઓ તોડી છે, તેથી તે આ ડીલમાંથી ખસી રહ્યા છે. મસ્કના વકીલે ટ્વિટર પર લખ્યું, 'મિ. મસ્ક આ મર્જરને રદ કરી રહ્યા છે. તેઓ આવું એટલા માટે કરી રહ્યા છે કારણ કે ટ્વિટરે તેમની સાથે કરેલા કરારોનો ભંગ કર્યો છે. ટ્વિટરે એલન મસ્કને ખોટી અને ભ્રામક રજૂઆત કરી અને મર્જર દરમિયાન મસ્ક તેના પર આધાર રાખ્યો હતો.
આ પછી હવે ટ્વિટર તરફથી કહેવામાં આવ્યું છે કે કંપની આ મર્જરને પૂર્ણ કરવા માંગે છે અને તેને કરાવવા માટે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે. ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરે પણ એક ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું હતુ કે ટ્વિટરનું બોર્ડ એલન મસ્ક સાથે કરવામાં આવેલી શરતો અને કિંમત પર આ ટ્રાન્ઝેક્શન ક્લોઝ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે આ વિલીનીકરણ કરારને પૂર્ણ કરવા માટે કાનૂની કાર્યવાહી પણ કરીશું. અમે આશા રાખીએ છીએ કે ડીલવેર કોર્ટ ઓફ ચેન્સરીમાં જીતીશું.
બ્રેટ ટેલરના આ ટ્વિટના જવાબમાં ટ્વિટરના કેટલાક શેરધારકોએ લખ્યું છે કે તેઓ ઈચ્છે છે કે મસ્ક ટ્વિટરને પેનલ્ટી ચૂકવે અને તેણે આ ડીલમાંથી બહાર થઈ જવું જોઈએ. કારણ કે તેઓ મસ્કને ટ્વિટરના માલિક તરીકે જોવા માંગતા નથી.
મે મહિનાથી મસ્કે ડીલ હોલ્ડ પર રાખી હતી
નોંધનીય છે કે મસ્કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટ્વિટર ડીલ પર રોક લગાવી દીધી હતી. મસ્કે કહ્યું કે ટ્વિટરે પહેલા સાબિત કરવું જોઈએ કે પ્લેટફોર્મ પરના બોટ્સ એકાઉન્ટ 5% કરતા ઓછા છે. કારણ કે ડીલ દરમિયાન ટ્વિટરે એલન મસ્કને આ જાણકારી આપી હતી.
શું એલન મસ્ક $1 બિલિયન દંડ ચૂકવશે?
જો એલન મસ્ક અને ટ્વિટરની ડીલ એક પક્ષ દ્વારા રદ કરવામાં આવે તો 1 અબજનો દંડ ભરવો પડશે. એટલે કે, જો મસ્ક આ ડીલ કેન્સલ કરે છે, તો તેણે ટ્વિટરને દંડ તરીકે 1 બિલિયન ડોલર ચૂકવવા પડશે. જો કે, જો તે ટ્વિટર પર લાગેલા આરોપને સાબિત કરવામાં સફળ થાય છે, તો કદાચ મામલો ઊંધો પડી શકે છે. આવી સ્થિતિમાં તેઓ ટ્વિટર સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે.
એક ફાઇલિંગમાં મસ્કના વકીલે જણાવ્યું હતું કે ટ્વિટરને વારંવાર નકલી અને બોટ એકાઉન્ટ્સ વિશે માહિતી માંગવામાં આવી હતી, પરંતુ કંપનીએ તેનો જવાબ આપ્યો ન હતો અથવા તેનો ઇનકાર કર્યો હતો. મસ્કના વકીલે પણ કહ્યું કે આ માહિતી બિઝનેસ પર્ફોર્મન્સ માટે મહત્વપૂર્ણ છે.