નવી દિલ્હીઃ WhatsAppના લાખો યૂઝર્સ એટલા માટે પણ છે કારણ કે એપ પોતાના યૂઝર્સની તમામ જરૂરતોનું ખાસ ધ્યાન રાખે છે. ફેસબુકની માલિકી ધરાવપતી વ્હોટ્સએપ કોરોના કાળમાં એક ખાસ ફીચર લઈને આવ્યું છે. જેના દ્વારા તમે ફોરવર્ડ મેસેજની વાસ્તવિકતા વિશે જાણી શકશો. જે રીતે કોરોના વાયરસ મહામારીની વચ્ચે ફેક જાણકારી શેર કરવામાં આવી છે ત્યારે આ ફીચર ખૂબ જ કામનું સાબિત થઈ શકે છે.


આ રીતે કરશે કામ

WhatsAppના આ ખાસ ફીચર દ્વારા વધારે વખત ફોરવર્ડ કરવામાં આવેલ મેસેજ સાથે આપવામાં આવેલ મેગ્નિફાઈંગ ગ્લાસ આઇકન પર ટેપ કરી બ્રાઉઝર પર પહોંચી જશો જ્યાં મેસેજ અપલોડ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ તમે વેબ રિઝલ્ટ દ્વારા મેસેજની વાસ્તવિકતાની તપાસ કરી શકશો કે આ મેસેજ સાચો છે કે ખોટો. તેમાં યૂઝર્સને એવા આર્ટિકલ્સ પણ મળી શકે છે, જેમાં ફોરવર્ડ કરવામાં આવેલ મેસેજ ફેક જણાવવામાં આવ્યા છે.

ખૂબ જ કામનું છે ફીચર

WhatsApp બ્લોગ દ્વારા કહ્યું કે, ‘ઘણી વખત ફોરવર્ડ કરવામાં આવેલ મેસેજને સરળતાથી ચેક કરવા માટે ફીચરથી યૂઝર્સને મદદ મળશે. યૂઝર્સને એ જાણવાની તક મળશે કે તેમની પાસે જે મેસેજ આવ્યો છે તે ફેક છે કે નહીં.’

ભારતમાં હાલમાં નથી આ ફીચર

આ ફીચરને હાલમાં બ્રાઝીલ, ઇટલી આયરલેન્ડ, મેક્સિકો, સ્પેન, યૂકે અને અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર એન્ડ્રોઈડ, iOSની સાથે જ વ્હોટ્સએપ વેબ માટે પણ અવેલબેલ છે. જ્યારે આ ફીચર ટૂંકમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેના માટે યૂઝર્સે એપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવું પડશે.