ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppનો પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાન હજુ સુધી લૉન્ચ કરવામાં આવ્યો નથી. પરંતુ તે હાલમાં બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ સાથે યુઝર્સને તેની સર્વિસનો ઉપયોગ કરવા માટે પૈસા ખર્ચવા પડશે.વોટ્સએપના નવા ફીચર્સ પર નજર રાખનારી સાઈટ WABetaInfoએ આ અંગે જાણકારી આપી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પ્રોગ્રામના સભ્યો પ્રીમિયમ મેનૂને ઍક્સેસ કરી શકે છે. જ્યાં તેમને વધારાની સુવિધાઓ આપવામાં આવશે.






આ ફીચર વોટ્સએપ બિઝનેસ યુઝર્સ માટે છે


રિપોર્ટ અનુસાર, આ ફીચર હાલમાં સામાન્ય યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. તેને WhatsApp બિઝનેસ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. એટલે કે, જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. રિપોર્ટ અનુસાર, યુઝર્સને પ્રીમિયમ એકાઉન્ટમાંથી કસ્ટમાઈઝેબલ કોન્ટેક્ટ લિંક્સનો વિકલ્પ મળશે.આ દર ત્રણ મહિને બદલાશે. આ સાથે ગ્રાહકોએ બિઝનેસ શોધવા માટે તેના ફોન નંબરને બદલે માત્ર નામ ટાઈપ કરવાનું રહેશે. ટેલિગ્રામમાં પણ આવી સુવિધા આપવામાં આવી છે. આની મદદથી યુઝર્સ ડાયરેક્ટ કોન્ટેક્ટ લિંક અન્ય લોકો સાથે શેર કરી શકે છે.


રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એપના પેઇડ વર્ઝન સાથે યુઝર્સ એકસાથે 10 ડિવાઇસ પર એક જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. આની મદદથી યુઝર્સ તેમના બિઝનેસ એકાઉન્ટને યોગ્ય રીતે મેનેજ કરી શકશે. આ સિવાય પેઇડ યુઝર્સ એક સમયે 32 લોકો સાથે વીડિયો કૉલમાં જોડાઈ શકે છે.


આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં છે. આ કારણે કંપનીએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ કારણે તેની કિંમત અને લોન્ચિંગ તારીખ વિશેની માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ, આવનારા સમયમાં કંપની આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરી શકે છે.