Neal Mohan New YouTube CEO: ભારતીય-અમેરિકન નીલ મોહન વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTubeના નવા CEO હશે. આ પહેલા યુટ્યુબના સીઈઓ Susan Wojcickiએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારતીય મૂળના નીલ મોહન Susan Wojcickiનું સ્થાન લેશે. નીલ મોહન હાલમાં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે. તેઓ Susan Wojcickiના લાંબા સમયથી સહયોગી રહ્યા છે.
નીલ મોહન હવે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, એડોબના સીઈઓ શાંતનુ નારાયણ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ સહિત યુએસ સ્થિત વૈશ્વિક દિગ્ગજોના શીર્ષ પર ભારતીય મૂળના સીઈઓની વધતી જતી યાદીમાં જોડાશે.
કોણ છે નીલ મોહન?
નીલ મોહન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક છે. તેઓ Susan Wojcickiના લાંબા સમયથી સહયોગી હતા, તેમણે 2007માં DoubleClick એક્વિઝિશન સાથે Google સાથે જોડાયા હતા. મોહનને 2015માં YouTube પર ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે YouTube પર ચીફ પ્રોડક્ટ ઓફિસરની ભૂમિકામાં શોર્ટ્સ, મ્યૂઝિક અને સબ્સ્ક્રિપ્શન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નીલ મોહને માઇક્રોસોફ્ટ સાથે પણ કામ કર્યું છે.
નીલ મોહને શું કહ્યું?
નીલ મોહને કહ્યું કે તેઓ આ મહત્વપૂર્ણ મિશન ચાલુ રાખવા માટે ઉત્સાહિત છે અને નવા ભવિષ્યની રાહ જોઈ રહ્યા છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે આભાર Susan Wojcicki, તમારી સાથે વર્ષોથી કામ કરવું અદ્ભુત રહ્યું છે. તમે YouTube ને સર્જકો અને દર્શકો માટે એક અસાધારણ ઘર બનાવ્યું છે. હું આ મહત્વપૂર્ણ મિશન ચાલુ રાખવા માટે ઉત્સાહિત છું."
Susan Wojcickiએ રાજીનામું કેમ આપ્યું?
TikTok અને Facebookની Reels જેવી શોર્ટ-ફોર્મ વિડિયો સેવાઓ અને Netflix જેવી સ્ટ્રીમિંગ સેવાઓની સ્પર્ધા વચ્ચે YouTube ની જાહેરાતની આવક સતત બીજા ક્વાર્ટરમાં ઘટી હતી. નોંધનીય છે કે Susan Wojcickiએ પત્ર લખીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. તે તેમના પરિવાર, સ્વાસ્થ્ય અને અંગત પ્રોજેક્ટને લઈને નવું કામ શરૂ કરશે.