Gmail : ભારતમાં અત્યારે દિવાળીનો માહોલ જામ્યો છે, પરંતુ આ સારા માહોલની વચ્ચે એક માઠા સમાચાર ગૂગલ દ્વારા આપવામાં આવ્યા છે. ગૂગલે દિવાળી પર લાખો જીમેઇલ યૂઝર્સને મોટો ઝટકો આપ્યો છે. ખરેખરમાં, કંપની લાખો નિષ્ક્રિય Gmail એકાઉન્ટને બંધ કરવા જઈ રહી છે, આ પ્રક્રિયા 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે, જેમાં લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા આવા Gmail એકાઉન્ટ્સ કાયમ માટે બંધ થઈ જશે. જો તમે પણ Gmail યૂઝર છો અને લાંબા સમયથી તમારું Gmail એકાઉન્ટ ખોલ્યું નથી, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે જો તમારું Gmail એકાઉન્ટ બંધ છે, તો તમે લોગ ઇન કરીને તમારા Android સ્માર્ટફોનનો ઉપયોગ જીમેઇલ સાથે કરી શકશો નહીં. 


તમને જણાવી દઈએ કે જીમેઇલ અને અન્ય બીજા કેટલાય એકાઉન્ટ્સ ગૂગલ એકાઉન્ટની મદદથી મેનેજ કરવામાં આવે છે. જો તમારું Gmail એકાઉન્ટ કાઢી નાખવામાં આવે છે, તો તમારે તે અન્ય સેવાઓ પણ ગુમાવવી પડશે. વળી, તમારું એકાઉન્ટ ડિલીટ કરતા પહેલા Google તમને ઇમેઇલ દ્વારા જરૂરી માહિતી આપશે, જેથી તમે ઇચ્છો તો તમારું એકાઉન્ટ સાચવી શકો.


આ કામ કરવાથી ડિલીટ નહીં થાય જીમેઇલ એકાઉન્ટ 
જો તમે છેલ્લા 2 વર્ષથી તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી, તો તમે તેને ફરીથી સક્રિય કરી શકો છો. આ માટે તમારે કંપનીની વિવિધ સેવાઓનો ઉપયોગ કરવો પડશે. જેમ કે.....


ઇમેઇલ વાંચવો કે મોકલવો.
Google ડ્રાઇવનો ઉપયોગ.
યુટ્યુબ વીડિયો જોવા કે ફોટા શેર કરવા.
પ્લે સ્ટૉરમાંથી એપ ડાઉનલૉડ કરવી અથવા ગૂગલ સર્ચનો ઉપયોગ કરીને કંઈપણ સર્ચ કરવું.
કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા વેબસાઇટ વગેરેમાં લૉગિન કરવા માટે Google એકાઉન્ટનો ઉપયોગ કરવો.


આ સ્થિતિમાં ડિલીટ નહીં થાય તમારું એકાઉન્ટ 
જો તમે તમારા Google એકાઉન્ટમાંથી કોઈપણ ઉત્પાદન અથવા સેવા ખરીદી છે, તો તમારું એકાઉન્ટ કાઢી નાખવામાં આવશે નહીં. તેવી જ રીતે જે એકાઉન્ટમાંથી યુટ્યુબ વીડિયો પૉસ્ટ કરવામાં આવ્યા છે તે પણ સુરક્ષિત રહેશે. જે ખાતામાં મૉનેટરી ગિફ્ટ કાર્ડ રાખવામાં આવ્યું છે તે પણ ડિલીટ કરવામાં આવશે નહીં. જો તમે તમારું એકાઉન્ટ તમારા બાળકોના એકાઉન્ટ સાથે લિંક કર્યું છે, તો પણ તે સુરક્ષિત રહેશે. જે લોકોએ એપ પબ્લિશિંગ માટે ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો છે, તે એકાઉન્ટ પણ સુરક્ષિત રહેશે.