Google એ ChatGPTને ટક્કર આપવા માટે AI આધારિત ચેટબૉટ Bard પણ લોન્ચ કર્યું છે. આ Google ચેટબોટ LaMDA પર આધારિત છે, જેના પર કંપની લાંબા સમયથી કામ કરી રહી છે. એવું લાગે છે કે કંપનીએ Bardનું લોંચિંગ ઉતાવળમાં કર્યું છે અને કંપનીને તેનો માર પણ સહન કરવો પડ્યો છે.
બુધવાર, 8 ફેબ્રુઆરીના રોજ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ઘટાડાનું કારણ Bardને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, Bardના લોન્ચિંગ બાદ ગૂગલની પેરેન્ટ કંપનીને 100 બિલિયન ડૉલર (લગભગ 8,250 બિલિયન રૂપિયા)નું નુકસાન થયું છે. કંપનીના બજાર મૂલ્યમાં 100 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.
ગૂગલને શું નુકસાન થયું?
તેનું કારણ ગૂગલના પ્રમોશનલ વીડિયોમાં આપવામાં આવેલી ખોટી માહિતી છે. બુધવારે યુએસ માર્કેટમાં આલ્ફાબેટના શેરમાં 9 ટકાનો ઘટાડો થયો હતો. રોયટર્સે ગૂગલના પ્રમોશનલ વિડિયોમાં ખામી શોધી કાઢી હતી, જેના પછી કંપનીના શેરમાં ભારે ઘટાડો થયો હતો.
આ અઠવાડિયે ગૂગલે તેનું AI ચેટબોટ Bard લોન્ચ કર્યું છે. તેના પ્રમોશનલ વીડિયોમાં Bardને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પ્રશ્ન એ હતો કે 'જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (JWST)ની નવી શોધ વિશે 9 વર્ષના બાળકને શું કહેવું જોઈએ.' જેના જવાબમાં AI બાર્ડે કહ્યુ હતું કે JWST નો ઉપયોગ આકાશગંગાની બહારના ગ્રહોના ફોટોગ્રાફ્સ લેવા માટે થાય છે. બાર્ડનો જવાબ ખોટો છે.
JWST શું કરે છે?
ખરેખર, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ બ્રહ્માંડના ભૂતકાળની તપાસ કરવા માટે થાય છે. તેનું કાર્ય ચાર ભાગોમાં વહેંચાયેલું છે અને તેને હબલ ટેલિસ્કોપનું અનુગામી પણ કહેવામાં આવે છે.
ગૂગલે માઈક્રોસોફ્ટ અને ઓપન એઆઈના ચેટજીપીટી સાથે સ્પર્ધા કરવા માટે બાર્ડની જાહેરાત કરી હતી, પરંતુ તેના વિશે વધુ માહિતી આપી નથી. ગૂગલ તેના ચેટબૉટને કોર સિસ્ટમમાં ક્યારે અને કેવી રીતે એકીકૃત કરશે તે અંગે કંપનીએ કંઈ જણાવ્યું નથી.
બુધવારે, ગૂગલે તેનું પ્રેઝન્ટેશન બતાવ્યું પરંતુ તેમાં વધુ વિગતો નહોતી. જ્યારે માઇક્રોસોફ્ટે ચેટજીપીટીને એકીકૃત કરીને એક નવું બિંગ સર્ચ એન્જિન લોન્ચ કર્યું છે.
માઇક્રોસોફ્ટને કેવી રીતે ફાયદો થશે?
માઇક્રોસોફ્ટે ChatGPT સાથે Bing લોન્ચ કર્યું છે. બીજી તરફ, ઓપન AIએ ChatGPT સબસ્ક્રિપ્શન આધારિત બનાવ્યું છે. જો કે, યુઝર્સને તેનું ફ્રી વર્ઝન પણ મળી રહ્યું છે, પરંતુ તેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં યુઝર્સ મફતમાં આ સેવાનો ઉપયોગ કરવા માટે માઇક્રોસોફ્ટ બિંગ પર આવશે. આ રીતે માઈક્રોસોફ્ટ સર્ચ માર્કેટમાં ગૂગલને ટક્કર આપી શકશે.